ભાગે તે ભાયડા એ કહેવત ખોટી પડી; ભાગવા જતા ભરતનગર ગામે યુવકનું મોત
મોરબી: મોરબીના ભરતનગર ગામે ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા ગયેલો યુવક પટકાયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવક ચોરી કરવા ગયો હોવાની શંકાએ ગ્રામજનોએ માર મારતાં મોત નિપજ્યું છે કે પછી ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા જતાં પટકાવાથી મોત નિપજ્યું છે ? તે જાણવા મૃતક યુવકનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પી.એમ. રિપોર્ટ બાદ યુવના મોતનું કારણ બહાર આવશે. મૃતક અજાણ્યા યુવકના વાલી વારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના ભરતનગર ગામે આવેલા કેશવ પ્લાઝાની સામે આશરે ૩૩ વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હતો. યુવકને ૧૦૮ મારફતે તાત્કાલીક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની પોલીસે શોધખોળ હાથ ઘરી છે. મૃતક યુવાન ભરતનગર ગામે ચોરીના ઈરાદે ઘુસ્યો હોય અને ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા જવાથી પટકાયો હતો. જેના કારણે મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પી.એમ.રિપોર્ટ બાદ યુવકનું પડી જવાથી મોત નિપજ્યું છે કે ? માર મારવાથી મોત નિપજ્યું છે? તે બહાર આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.