નિંભર તંત્ર: પ્રદુષણના કારણે ખેતર બની ગયું બંજર,મોરબીના ખેડૂતે લખ્યો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ને પત્ર!
દશ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નહીં!
મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના જસમતગઢ ગામ ની સીમ માં આવેલ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરીયા એ તેના ખેતરમાં બાજુની ફેક્ટરી દ્વારા કેમીકલયુક્ત પાણી અને પ્લાસ્ટિક નો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે. જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી. તે પ્રદુષણ અટકાવવા મોરબી જિલ્લાની રફાળેશ્વર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીને લેખિત અરજી કરી છે.જેને આજે ૧૧ દિવસ પૂરા થયા છે. છતાં હજુ સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ એ સ્થળ ઉપર જઈને તપાસ કરી નથી. ત્યારે હાલ વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલ યુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તો આ તંત્ર બેઠું તો નથી ને? તેઓ સવાલ પ્રદૂષણનો ભોગ બનતા લોકોએ ઉઠાવ્યો છે.
આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરીયા ની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે. તે જમીનનાં સેઢે ગ્રેનાઈટો એલએલપી ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરી નો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી આ પ્રાણજીવનભાઈના ખેતરમાં કાઢે છે. જેના પ્રદુષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદુષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે. ખેતરમાં નકામા છોડ નો ઉપદ્રવ વધી ગયો છે. ખેડૂતની આજીવિકા હોય આ પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તારીખ ૧૦-૬-૨૦૨૪ નાં રોજ કરી છે. આ લખાય છે ત્યાં સુધીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી કે કર્મચારી એ આ સ્થળની મુલાકાત લીધી નથી. ત્યારે હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે.
જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી કોઈ હરકત તો આ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારીની નથી ને? તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે. ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું!