ટંકારા: હડમતીયા બ્રાન્ચ પોસ્ટ માસ્તર સામે બે ગ્રાહકના રૂ. 99 હજારની ઉચાપતની ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામના બ્રાન્ચ પોસ્ટ માસ્તરે બે ગ્રાહકના ૯૯ હજાર રૂ. ખાતામા જમા ન કરી ગ્રાહક તથા સરકાર સાથે વિશ્વાસઘાત કરી નાણાની ઉચાપત કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ કોઠારીયા મેઇન રોડ રાધેશ્યામ સોસાયટી શેરી નં -૦૧ માં રહેતા ભાવીનભાઈ ભરતભાઈ ગોહેલ (ઉ.વ.૩૫) એ આરોપી હડમતીયા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા દિપાબેન એમ. ત્રિવેદી રહે. વાવડી તા.જી. મોરબી વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૮-૨૦૨૨ થી ૦૯-૦૬-૨૦૨૩ સુધીમાં કોઈ પણ સમયે આરોપી દિપાબેન બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકેની પોતાની ફરજ દરમ્યાન ગ્રાહક સોનલબેન ચિરાગભાઇ વાળાના રુ.૨૧,૦૦૦/- તથા ગ્રાહક ઉષાબેન હરગોવિંદભાઇ વાળાના રુ.૭૮,૦૦૦/- એમ મળીને કુલ રુ.૯૯,૦૦૦/- લઈ પાસબુકમા સહીસિકા કરી આપી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી ગ્રાહકના ખાતામા રકમ જમા ન કરાવી ગ્રાહકો તેમજ સરકાર સાથે વિશ્વાસઘાત કરી તેમજ સરકારી નાણાની ઉચાપત કરી હતી. જેથી ભોગ બનનાર ભાવીનભાઈએ આરોપી બ્રાન્ચ પોસ્ટ માસ્તર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.