મોરબી જીલ્લામાં ઓવરલોડેડ ચાલતા ડમ્પરો સામે લગામ ક્યાંરે
કોઈપણ પ્રકારની કાયદાકીય સૂચનાઓનું પાલન કર્યા વગર જ ઓવરલોડ ખનીજ ભરી ફરી રહ્યા છે ડમ્પર ચાલકો
મોરબી: મોરબી જિલ્લામાં અત્યારે હાલના સમયમાં રેતી તેમજ માટી ભરેલા ઓવરલોડ ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દિન પ્રતિદિન આવા ઓવરલોડ ચાલતા ડમ્પરોના કારણે અકસ્માત બનવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કેટલાયની જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર આવા બેફામ રીતે કાયદાનું પાલન કર્યા વિના ચાલતા ડમ્પર સામે લાલ આંખ કરે તેવી ભારે માંગ ઉઠવા પામી છે.
મોરબી જીલ્લામાં તાલુકાઓની અંદર હાઇવે રોડ પર કાયદાકીય પાલન કર્યા સિવાય તેમજ માટી તથા રેતી ભરેલ ડમ્પરની ઉપર તાટપત્રી બાંધ્યા વગર બેફામ રીતે દોડી રહેલા ડમ્પર ચાલકો સામે લાલ આંખ કરવામાં આવે તેવી ભારે માંગ ઉઠવા પામી છે .ગત સમયમાં પણ મોરબી શહેરની અંદર અકસ્માતોના બનાવો બનવા પામ્યા છે જેમાં ટ્રકની ટક્કરે કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ છે. ત્યારે વહીવટી તંત્ર તથા આરટીઓ દ્વારા આવા બેફામ રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને ચાલતા વાહન ચાલકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી ભારે માંગ ઉઠવા પામી છે. મોરબી શહેરની અંદર તેમજ આવેલા આજુબાજુના વિસ્તારમાં પણ ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા આગામી સમયમાં આ ડમ્પર ચાલકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું.