મોરબી : વાવડી ગામે બોલેરોએ બાઈકને ઠોકરે લેતા માસુમનું મોત
મોરબીના વાવડી ગામે પુત્રને મોટરસાઈકલમાં બેસાડી આંટો મારવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી ગામે બાઇકમાં દોઢ વર્ષના પુત્રને બેસાડી ઘરેથી આટો મારવા નીકળેલા પિતા-પુત્રનાં બાઇકને બોલેરોએ હડફેટે લેતા દોઢ વર્ષના માસુનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું તો પિતાને ઇજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.બોલેરો ચાલક બોલેરો મૂકી નાશી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.
અકસ્માતના આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી ગામે રહેતા મિલનભાઈ સોંઢીયા (બોરીચા) ગઈકાલે રાત્રે સાડા નવકે વાગ્યે પોતાની બાઇકમાં દોઢ વર્ષના પુત્ર વિહાન ઉર્ફે વિહામણને આગળ બેસાડી ઘરથી રોડ પર આટો મારવા માટે નીકળ્યા હતા, ત્યારે ઘરથી થોડે દૂર રોડ પર પુરપાટ ઝડપે આવેલી બોલેરો કારે બાઇકને ઠોકરે લેતા પિતા પુત્ર રોડ પર ફંગોળાતા પુત્ર વિહાનને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે તે પહેલા જ બાળકે આંખ મીંચી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી, અકસ્માતમાં મૃતકના પિતાના પગમાં ફેક્ચર હોવાનું નિદાન થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જી નાશી જનાર બોલેરો ચાલક સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.