મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બહેનો માટે બ્યુટી પાર્લર-મહેંદીના કોર્સનો શુભારંભ કરાયો
મોરબી: આ મહેંદી પ્રતિયોગિતા કરવાનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓ તથા મહિલાઓને બ્યુટી પાર્લર અને મહેંદીનો કોર્સ કરાવવાનો હતો. ગરીબ ઘરની દીકરીઓ તથા મહિલાઓ પોતાના પગભર થઈ શકે અને પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે તે ઉમદા હેતુસહ આ પ્રતિયોગિતા દ્વારા ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ દીકરીઓ તથા મહિલાઓને કોર્સ કરાવવાની ઘટતી ફી ની રકમનું ફંડ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યો દ્વારા આપવામાં આવ્યું હતું.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ૧લી મે ના રોજ થી આ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ફંડ ચાવડા રાજલબેન, ચાવડા મીનાબેન, જાગૃતિબેન હડીયલ, અલ્કાબેન વિલપરા, સારંગાબેન ભટ્ટ, સ્મિતાબા જાડેજા, નેહાબેન ભરવાડ, ક્રિષ્નાબેન ભરવાડ, છનિયારા મીનલબેન અને ભગવતીબેન એમ ૧૦ દીકરીઓ/મહિલાઓને શીખવાડવામાં વાપરવામાં આવ્યું છે .
મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું આ ત્રીજું વર્ષ શરૂ થયું છે અને અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, અમારા દ્વારા કરવામાં આવેલ ઉમદા કાર્યને મોરબીની પ્રિય જનતાએ ખૂબ જ બિરદાવ્યું છે. જેના પરિણામે, આ વર્ષે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની સંખ્યા બમણી થઈ છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. અત્યાર સુધી મુસ્કાન વેલ્ફેર સોસાયટી એ કોઈ પણ ઉમદા કાર્ય માટે બહારથી પૈસા લીધા નથી. ફક્તને ફક્ત મુસ્કાનના સભ્યોએ હંમેશા પોતાના પોકેટ મનીમાંથી જ ઉમદા પ્રવૃત્તિઓ કરી છે.
પરંતુ, હવે મુસ્કાન વેલ્ફેર સોસાયટી વધુને વધું સારી પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે ત્યારે, આપ મોરબીની જનતા જનાર્દનના આર્થિક સહયોગની જરૂરિયાત આવશ્યક છે. જેમ કે, તમારા પરિવારમાં કોઈનો જન્મ દિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ પ્રસંગ હોય તો તમે મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આપની અનુકૂળતા મુજબ અનુદાન આપી અમોને પ્રોત્સાહિત કરી શકો છો. આ અનુદાનનો ઉપયોગ ફક્ત ને ફક્ત સેવાકીય, સાંસ્કૃતિક, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, રોજગાર વિગેરે વિવિધ હેતુમાં ઉપયોગમાં લેવામાં આવશે તેની ખાતરી મુસ્કાન વેલ્ફેર સોસાયટી આપશે જ.