મોરબીની હોટલ ફર્ન રેસિડેન્સી દ્વારા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઇ
લોકશાહીનું પર્વ દેશનું ગર્વ : મતદાનને પ્રોત્સાહન માટે હોટલ માલિકો તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા
મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. બી. ઝવેરીના દિશા- નિર્દેશમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે .
મોરબી જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહા પર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર બની છે. મોરબી હોટલ એસો. ના હોદેદારોએ પણ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તેવા ઉદેશ્યથી વિવિધ હોટલોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે વિવિધ હોટલો તેમજ સંસ્થાઓ ચૂંટણી તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા છે. મોરબીની હોટલ ફર્ન રેસિડેન્સી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતી કેળવાય અને મતદાન ની ટકાવારી વધે તેવા આશયથી લોકોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
મોરબીમાં હોટલ ફર્ન રેસિડેન્સીના જનરલ મેનેજર સુહાસ શ્રીમાળીએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે હોટલ ફર્ન રેસિડેન્સી દ્વારા ગ્રાહકોને બૂકિંગ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે વ્યક્તિ મતદાન કર્યાનું પ્રૂફ બતાવશે તેઓને ફૂડ અને રૂમ બૂકિંગ પર ૧૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ઉપરાંત ૭ મી મે ના રોજ અચૂક મતદાન કરવા મતદાતાઓને અનુરોધ કર્યો છે.