પાલિકાની ઘોર બેદરકારી : મોરબીના સ્ટેશન રોડ પર ખુલ્લી કુંડીમાં બાળક પડ્યુ
મોરબી પાલિકામાં ગટરના ઢાંકણા ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર કરવાની વાતો વચ્ચે બાળકનો જીવ માંડ માંડ બચ્યો
મોરબી: મોરબી શહેરે ઔઘોગિક વિકાસની હરણફાળ ભરી છે પરંતુ નગરપાલિકા પાપે મોરબી શહેરના લોકોને પુરતી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યારે મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શહેરમાં અનેક ખુલ્લી ગટર જોવા મળે છે જ્યાં છાશવારે અકસ્માત સર્જાતા હોય છે જેમાં તાજેતરમાં એક બાળક ખુલ્લી કુંડીમાં પડી ગયું હતું જે બાળકને મહામહેનતે હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું.
મોરબી ઔઘોગિક વિકાસમાં ખુબ જ પ્રગતિ કરી જેથી મોરબી વાસીઓ દ્વારા ટેક્ષ પણ સૌથી વધુ ભરવામાં આવી રહ્યો છે પરંતુ નગરપાલિકાને મોરબીના વિકાસમાં જાણે કાઈ રસ જ નથી એવું લાગી રહ્યું છે લોકોને પ્રાથમિક સુવિધાઓના નામે ખાલી ઉલ્લુ જ બનાવવામાં આવે કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં પાલિકા તંત્રના પાપે હજુ મોરબી શહેરમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે નગરજનો અનેક સમસ્યાઓથી પીડાય રહ્યા છે.
મોરબીમાં પાલિકા તંત્રના પાપે શહેરમાં અનેક સ્થળે ગટરની કુંડીના ઢાંકણ ખુલ્લા જોવા મળે છે. આ ખુલ્લી કુંડીમાં અનેક લોકો અને પશુઓ ખાબકતા હોય છે તેમજ અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર મેડીકલ કોલેજ પાસે ૪ ફૂટ જેટલી ઊંડી ગટરનં ઢાંકણું જ ના હોય જે ખુલ્લી કુંડીમાં એક બાળક રમતા રમતા કુંડીમાં પડી ગયું હતું સદનસીબે સ્થાનીક લોકોને સમયસર જાણ થતા સ્થાનિકોની મદદથી બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું જોકે નીમ્ભર તંત્રની બેદરકારીનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે પરંતુ નીમ્ભર તંત્રને નાગરિકોની પીડા સાથે કશી લેવાદેવા ના હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે બીજી તરફ ભૂગર્ભ ગટરમાં બાળક પડી જવાની ઘટના સામે આવતા જ તુરત જ નગરપાલિકાએ ભૂગર્ભ ટીમને બનાવ સ્થળે દોડાવી ઢાંકણ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, આ રીતના ખુલ્લી કુંડીઓના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે અને તાત્કાલિક આવી કુંડીઓનું સમારકામ કરાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.