મોરબી જિલ્લાના 889 મતદાન મથકોએ 28 એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન
બી. એલ. ઓ. મતદાન મથક વિશે માહિતી પૂરી પાડશે; મતદાન મથકોએ સાફ સફાઈ અને રંગ રોગાન હાથ ધરાશે
મોરબી: મતદારોને મતદાન મથકોએ સુગમતા રહે અને મતદાન મથક ને અગાઉથી જાણી અનુભવ કરે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૮ એપ્રિલે જિલ્લાના ૮૮૯ મતદાન મથકો પર ‘Know Your Polling Station’નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતના ચૂંટણી પંચના નેતૃત્વમાં મતદારો મતદાનના અનુભવને વધુ સુખદ બનાવી શકે, મતદાન મથકે મુંઝવણ ન અનુભવે અને મતદાન મથકના સ્થળની અગાઉથી મુલાકાત લઈ પરિચિત બને તે માટે મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદિપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી ‘Know Your Polling Station’ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવનાર છે.
જે અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિઘાનસભા મતવિસ્તાર તેમજ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેરના મતદાન મથકો મળી ૮૮૯ મતદાન મથકો પર તા.૨૮/૦૪/૨૦૨૪ના દિવસે મતદાન મથકના બી.એલ.ઓ. મતદારયાદી સાથે બેસવાના છે અને મતદારોને મતદારયાદીમાં તેઓના ભાગ નંબર, ક્રમ અને મતદાન મથકની માહિતી આપશે.
આ આયોજન અન્વયે મતદાન મથકના સ્થળની અંદર તેમજ બહારના વિસ્તારની સાફ સફાઇ હાથ ધરવામાં આવનાર છે, મતદાન મથકે જરૂરીયાત જણાયે રંગકામ તેમજ સમારકામની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે અને મતદાન મથકે શૈચાલયની સ્વચ્છતા અંગેની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે.
વધુમાં દિવ્યાંગ મતદારો, સર્ભગા મહિલાઓ તથા ૮૦+ મતદારોને મતદાન માટે પ્રાધાન્ય આપવામાં આવે છે, મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા અંગેની માહિતી બી.એલ.ઓ. દ્રારા આપવામાં આવશે. મતદાન મથક પર મતદાનના દિવસે પાર્કીંગ ની વ્યવસ્થા અંગેની માહિતી સંબંધિત બી.એલ.ઓ. દ્રારા આપવામાં આવશે જેથી આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ના સવારે ૯.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધીમાં મતદારોએ પોતાના મતદાન મથકે જઇ અગાઉથી મતદાન મથકથી પરીચિત બની આ કેમ્પઇનનો હિસ્સો બનવા મોરબી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જણાવાયું છે.