શું ખરેખર ક્રિસાન્જ ફાર્મા કંપનીએ જ ઘૂંટુ ગામે કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવ્યું હતું ?
મોટા ગજાના નેતા જે કંપનીને અડધી રાત્રીએ બચાવવા નીકળ્યા હતા તે કંપની ખરેખર કઈ ?
મોટા મગરમચ્છને બચાવવા નાની માછલીને ક્લોઝર આપવામાં આવી ?
મોરબીના ઘુંટુ ગામે કેમિકલ ઠાલવવા આવેલ ટેન્કરને ગ્રામજનોએ ઝડપી પાડ્યા બાદ ગ્રામજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે લડત આપી હતી. મોરબીના ઘુંટુ ગામમાં કેમિકલયુક્ત ઠલવાઈ રહેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપીને પોલીસને સોંપ્યું હતું જો કે બાદમાં પોલીસે આ ટેન્કરચાલક અને ટેન્કરને છોડી મૂક્યા હોય ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. બાદમાં ગ્રામજનોએ જીપીસીબીની ઓફિસે પહોંચીને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. બાદમાં જીપીસીબીએ ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ પણ હાથ ધરી હતી જ્યાંની પ્રોડક્ટ અને કેમિકલ મેચ થતા હોવાનું જણાઈ આવ્યું હતું તો કોઈ રેકોર્ડ પણ મળી આવ્યો ન હતો. સાથે સીસીટીવી કેમેરા પણ ન હતા. જેથી જીપીસીબીએ આ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. આ સાથે પીજીવીસીએલ દ્વારા કંપનીનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હોવાનું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.
અહીં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે, ઘૂંટુ પાસે જે ટેન્કર પકડાયું હતું તે આ ક્રિસાન્જ કંપનીમાંથી જ કેમિકલ ભરીને આવ્યું હતું ? તે કઇ રીતે કહી શકાય ? શું આ ટેન્કર તે કંપનીમાંથી ભરીને નીકળું હતું તેવા કોઈ અન્ય પુરાવા જીપીસીબીને મળ્યા છે ? શું આ કંપનીનાં માલિકોએ એ સ્વીકાર્યું હશે કે હા આ ઘૂંટુ પાસે તેમને જ ટેન્કર ખાલી કરવા રવાના કર્યું હતું ? શું ત્યારે જે ટેન્કર પકડાયું હતું તેના ચાલકની આ બાબતે કોઈ પૂછપરછ કરવામાં આવી હશે ? અને જો કરવામાં આવી જ હોઈ તો તે ટેન્કર અને ટેન્કર ચાલક જે ઘુંટુ પાસેથી પકડાયા હતા તેના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ? કેમ તે ટેન્કરચાલક ત્યારે હાજર મળી આવ્યો હતો તેના વિરુદ્ધ પોલીસ ફરીયાદ જીપીસીબી દાખલ કરાવી રહ્યું નથી ?
આ બધી બાબતો વચ્ચે અંગત સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમનું માનીએ તો, ખરેખર ઘુંટુ પાસે જે કેમિકલ ભરેલ ટેન્કર ગ્રામજનોએ ઝડપ્યું હતું તે આ ક્રિસાન્જ કંપનીમાંથી કેમિકલ ભરીને આવ્યું જ ન હતું !! મોટા મગરમચ્છોને બચાવવા માટે નાની માછલીઓ પર આરોપ નાખીને એક કાંકરે બે પક્ષી મારવા જેવી વાત છે !
મળતી માહિતી પ્રમાણે જૂના સાદુરકા પાસે આવેલી એક કંપનીમાંથી આ ટેન્કર મોડી સાંજે ભરીને ઘુંટુ ગામ પાસે ઠાલવવામાં આવ્યું હતું પરંતુ હાલ તો ક્રિસાન્જ કંપનીમાંથી ટેન્કર ભરીને ઠાલવવામાં આવ્યું હોઈ તેવું સાબીત કરી દેવામાં આવ્યું છે પરંતુ આવતા દિવસોમાં આ બાબતે પુરાવા એકત્રિત કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ખરેખર જે કેમિકલ માફીયાઓએ એક રાજકીય વ્યક્તિને અડધી રાત્રે મેદાને ઉતારી આ મામલો દબાવવા ધમપછાડા કર્યા હતા તેવા માફીયાઓને અમે ખુલ્લા પાડીશું.
ખાસ નોંધ : અમે કોઈ કંપનીને બચાવવા કે કોઈ કંપનીને બદનામ કરવા કે રાજકીય વ્યક્તિ માટે નહીં પરંતુ જે ખરેખર સત્ય છે તેને સામે લાવવા માટે આ લખી રહ્યા છીએ.