સિરામીક એસો. હોલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાશે
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાશે મતદાન જાગૃતિ કાર્યક્રમ
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક એસો. હોલ ખાતે સિરામીક એસો.ના ઉપક્રમે વિવિધ ઉદ્યોગો અને કારખાનાઓના મજૂરો તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સિરામીક એસો. હોલ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વહિવટી તંત્ર તેમજ ચૂંટણી શાખા દ્વારા અગાઉ મતદાન અંગે થયેલ M.O.U. ની સમજણ, અમલીકરણ તેમજ પેઇડ લીવ અંગેની જાગૃતિ માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિરામીક એસો.ના હોદ્દેદારો, વિવિધ એસોસિએશનના આગેવાનો, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.