મોરબી પાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો અંગે તપાસની કોંગ્રેસ પ્રમુખે કરી માંગ
મોરબી: મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કામગીરી અંગે તપાસ કરવા પાલિકાના ચીફ ઓફીસરને કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખના કહેવા મુજબ, નગરપાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે અને 32 કરોડ જેવું સ્વભંડોળ હતુ તે કયાં વપરાયું છે. તેની તપાસ કરવાની માંગ કરી નગરપાલીકાના નાણાં ગેરવલ્લે ગયા છે તે તમામ નાણાંની વસુલાત કરવામાં આવે તેવી લેખીત રજૂઆત કરવામાં આવી છે.
જેમ કે મોરબી નગરપાલીકામાં 45-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તે હેઠળ વાપરવામાં આવેલી ગ્રાન્ટની રકમ વસુલવામાં આવે અને નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવે તેવી કોંગ્રેસ પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેમજ નગરપાલીકા વિસ્તારમાં લોકોના ઘરની ભો-ખાળ સાફ કરવા માટે નગરપાલીકાનું વાહન આવે છે અને સાફ કરી જાય છે અને આ વાહન ચાલક જે તે ઘ૨ના માલીક પાસે રૂા.૧૨૦૦/- સ્થળ ઉપર જ વસુલ કરે છે અને તેની પહોંચ પણ આપવામાં આવતી નથી. તો ખરેખર ભો-ખાળ સાફ કરવાનો ચાર્જ શું છે ? અને ખરેખર વસુલાત કરવામાં આવી છે તે રકમ સાથે સંસંગત હોય તો પહોંચ કેમ આપવામાં આવતી નથી? તેમજ જાન્યુઆરી-૨૦૨૪ થી આજ સુધીમાં આવી ભો-ખાળ સાફ કરવા અંગે વસુલ કરેલ ચાર્જ અંગે તપાસ કરવામાં આવી તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.