મોરબીના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાયો
પાંચ તાલુકા મથકોએ પણ ખેડૂતો માટે વેચાણ કેન્દ્રો ઉભા કરાયા
પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર’ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, મોરબી ખાતે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ વેચાણ કેન્દ્ર અઠવાડીયામાં દર ગુરુવારે એક દિવસ ઉભું કરવામાં આવશે. આ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર મોરબી જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉત્પન્ન કરેલ શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વિગેરે પેદાશોનું સીધુ વેચાણ કરી શકે તેના માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ તાલુકામાં તાલુકા મથકોએ પણ આ પ્રકારના વેચાણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ વેચાણ કેંદ્રનો નાગરિકોને લાભ લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવેલ ખેડૂતની મુલાકાત કરી તેમજ ખેડૂતોને પોત્સાહિત કરવા માટે ફળ, શાકભાજી અને કઠોળની ખરીદી કરવામાં આવી હતી