મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી તાપ્સી પન્નુ અને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમોએ અહીં દરોડા પાડ્યા છે. ન્યુઝ એજેન્સીના જણાવ્યા અનુસાર 3 માર્ચે આવકવેરા વિભાગના તપાસ એકમએ કરચોરીના કેસમાં તાપસી અને અનુરાગની સંપત્તિ પર દરોડા પાડ્યા હતા. આ હસ્તીઓનાં ઘર અને કચેરીઓ સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, આવકવેરાની ચોરીનો મામલો અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંબંધિત છે. આ કંપની અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને અને મધુ માંટેના દ્વારા શરૂ કરવામાં આવી હતી. કંપનીને 2018 માં બંધ કરવામાં આવી હતી. એક ખાનગી રિપોર્ટ અનુસાર ટીમે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની સાથે વિકાસ બહલના ઘરે પણ દરોડા પાડ્યા છે. વિભાગની અનેક ટીમો ફેન્ટમ ફિલ્મ્સ ઓફિસ સહિત આશરે 22 સ્થળોએ દરોડા પાડી રહી છે. તમને જણાવી દઈએ કે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે અને સળગતા મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરે છે. અનુરાગ કશ્યપ પર બોલિવૂડ અભિનેત્રી દ્વારા શારીરિક સતામણીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો, જેની તપાસ ચાલી રહી છે. ફિલ્મો વિશે વાત કરીએ તો અનુરાગે તાજેતરમાં જ તાપસી સાથે ફરી ફિલ્મની ઘોષણા કરી હતી. અગાઉ આ બંને મનમર્ઝિયાં ફિલ્મ કરી ચૂક્યા છે, જેમાં મુખ્ય ભૂમિકામાં તાપસી સાથે અભિષેક બચ્ચન અને વિકી કૌશલ જોવા મળ્યા હતા.