મોરબી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિ ગીત સંગીત કાર્યક્રમ યોજાયો
કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી સહિત સરકારી ભવનો રોશનીથી જગમગી ઉઠ્યા
મોરબી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની પ્રેરક ઊપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિ ગીત સંગીત કાર્યક્રમ યોજાયો હતો.
રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોની સાથે સમગ્ર મોરબી જિલ્લો દેશ ભક્તિના રંગે રંગાયો છે. ૨૬ મી જાન્યુઆરીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં દેશ ભક્તિ ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેન્ડના સંગીતકારોએ સંગીત દ્વારા ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’, ‘જહાં ડાલ ડાલ પર’, ‘યે દેશ હૈ વીર જવાનો કા’, ‘મેરે દેશ કી ધરતી’, ‘એ મેરે વતન કે’ લોગોં, સહિતના દેશ ભક્તિ ગીતો થકી સંધ્યાને દેશ ભક્તિમય બનાવી દીધી હતી.
પ્રજાસત્તાક પર્વ અન્વયે જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓના ભવનો લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરી સહિતની બિલ્ડીંગ તિરંગાના રંગો તેમજ સપ્તરંગી પ્રકાશથી જગમગી ઉઠી છે.