૨૬મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
વિવિધ વિભાગના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડ આકર્ષણ જમાવશે
પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે થનાર છે, જેના પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક અન્વયે કલેક્ટરે સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. ખાખરેચી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, વાસ્મો, આત્મા અને પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર, તેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે ઉપરાંત જવાનોની પરેડ પણ યોજાશે. દેશ ભક્તિથી રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ કલેક્ટર સિધ્ધાર્થ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સહિત સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.