મોરબીનાં ઘુંટુ ગામે નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત
શાળાના બાળકોએ રામ, સીતા અને હનુમાનજીના વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું
હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર એવા રામ મંદિરનું અયોધ્યામાં પુનઃનિર્માણ થઈ રહ્યું છે અને આગામી તા. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર ભારતભરમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ રામ, સીતા અને હનુમાનજીના વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું અને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
અયોધ્યામાં યોજાનાર રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામે શ્રી નવોદય વિદ્યાલયમાં આજરોજ તા. 13 ને શનિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી કાર્યક્રમ યોજીને અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાએથી શરૂ કરીને આખા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા, મહેશભાઇ બોપલીયા, પ્રમુખ બીપીનભાઈ કાંજીયા, ટ્રસ્ટી પરસોતમભાઈ કૈલા તથા સર્વે સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.