મોરબી-રાજકોટની દારૂની દુકાનોમાં વિજિલન્સનું ચેકિંગ
સ્ટોકલિમિટ અંગે તપાસ, પરમિટ શોપમાં લેવાતા ઉંચા ભાવો અંગે પગલાં ભરાશે કે કેમ?
રાજકોટ શહેર અને મોરબી જિલ્લાની પરમીટ શોપ ઉપર આજે સવારથી નશાબંધી અને આબકારી વિભાગની વિજિલન્સે દરોડા પાડતા પરમીટશોપ ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. જો કે કોઈ પરમીટ શોમાં ગેરરીતિ ઝડપાયેલ છે કે કેમ તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ અને મોરબી જિલ્લામાં આવેલી ૯ જેટલી વાઈન શોપ (દારૂની દુકાનો) ઉપર આજે સવારથી ગાંધીનગરથી નશાબંધી અને આબકારી વિભાગની વિજીલન્સ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ શહેરની ઇમ્પિરીયલ હોટેલ, હોટલ કે.કે., હોટલ આર.પી.જે., ફોર્ચ્યુન, હોટેલ ફર્ન તેમજ ઢેબર રોડ વનવે ખાતે આવેલી વાઇન શોપ સહીતની પરમીટ શોપમાં વિજિલન્સ દ્વારા ચેકીંગ હાથધરવામાં આવેલ છે.
આ દરોડા દરમિયાન સ્થાનિક અધિકારીઓને સાથે રાખવામાં આવેલ નથી. તાજેતરમાં ગયેલ થર્ટી ફર્સ્ટ દરમિયાન પરમીટ શોપ્સમાંથી થયેલા દારૂના વેચાણ ઉપરાંત હયાત સ્ટોક સહીતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે. કેટલાક પરમીટ શોપ ધારકો દ્વારા દારૂનું બારોબાર વેચાણ કરવામાં આવતું હોવાની તેમજ નિયમ ભાવો કરતા ઉંચા ભાવે લેવામાં આવતા હોવાની ફરીયાદો અવાર-નવાર ગાંધીનગર સુધી થાય છે. પરંતુ આજ સુધી આ બારામાં કોઇ તપાસ પણ કરવામાં આવી નથી.
આજે વિજિલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સ્ટોક ડિફરન્સ અંગે ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે પરમિટ શોપ ધારકો દ્વારા હેન્ડલિંગ ચાર્જના નામે ચાલી રહેલી ઉઘારી લુંટ તથા દારૂ બિયરના ઉંચા ભાવો વસુલવા માટે પરમીટશોપ ધારકો દ્વારા રચાયેલી સિન્ડીકેટ અંગે કોઈ પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.