નકલી ટોલનાકા પ્રકરણ મામલે બે આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર, પોલીસની મુક પ્રેક્ષકની ભુમિકા શંકાસ્પદ
પોલીસ આરોપીઓને કેમ છાવરી રહી છે ? : 12 દિવસ પછી પણ પોલીસના હાથે એક પણ આરોપી ન લાગતાં પોલીસની ભૂમિકા પર અનેક શંકાકુશંકાઓ
વાંકાનેરના બહુચર્ચીત નકલી વઘાસિયા ટોલનાકા પ્રકરણ મામલે સતત બાર દિવસ પછી પણ પોલીસના હાથે એકપણ આરોપી ન લાગતાં પોલીસની ભૂમિકા પર એનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે, ત્યારે આ બધાં વચ્ચે આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓએ આગોતરા જામીન મેળવવા માટે નામદાર મોરબી કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસિયા પાસે સરકારી ટોલનાકાની બાજુમાં જ નકલી ટોલનાકા ઉભું કરી ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતાં બાબતે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હોય, જેમાં આ પ્રકરણમાં આરોપી ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાએ આગોતરા જામીન મેળવવા નામદાર મોરબી કોર્ટમાં અરજી કરતા મોરબી કોર્ટ દ્વારા બન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી રિજેક્ટ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવના બાર દિવસ પછી પણ હજુ સુધી પોલીસ દ્વારા એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જે બાબતે આમ જનતાના મનમાં અનેક શંકા-કુશંકાઓ ઉપજાવી રહી છે, બાબતે રક્ષકની ભુમિકામાં પોલીસ જ જો આવા માથાભારે આરોપીઓને છાવરે તો આમ નાગરિકોને કોણ રક્ષણ પુરૂ પાડે તે યક્ષ પ્રશ્ન જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.