કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે સંસદમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિનાઓથી ચાલી રહેલ ભારત-ચીન સરહદ તણાવ હવે સમાપ્ત થઈ ગયો છે. એલએસી પાસે લદાખમાં ભારત અને ચીન વચ્ચે લશ્કરી અડચણ ખતમ થઇ ગઈ છે. રાજનાથસિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે એલએસી પાસેં પેંગોંગ તળાવ વિવાદ અંગે ભારત-ચીન સમજૂતી પર પહોંચી ગયું છે અને હવેથી દેશની બંને સૈન્ય પોતાની સેના પાછી ખેંચશે. રાજ્યસભામાં રાજનાથસિંહે કડક શબ્દોમાં કહ્યું કે ચીને ભારતની ધરતી પર કબજો કર્યો છે પરંતુ આપણે આપણી જમીનનો એક ઇંચ પણ છોડશું નહિ. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ચીનને વિનંતી કરવામાં આવી છે કે એલએસીને માનવામાં આવે. એલએસી પર વર્તમાન પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ ન કરવો જોઇએ. બંને પક્ષો પરસ્પર સંમતિનું પાલન કરે.રાજનાથસિંહે રાજ્યસભામાં કહ્યું કે સપ્ટેમ્બર 2020 થી ભારત અને ચીની સૈન્ય દ્વારા રાજકીય સ્તરે વાતચીત થઈ રહી છે. તેમણે કહ્યું કે પેંગોંગ તળાવથી લઇને દક્ષિણ અને ઉત્તર તરફ સમાધાન કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે બંને પક્ષો તેમની સેના પાછી ખેંચશે.ચીન ફિંગર 8 પર અને ભારત ફિંગર 3 પર રહશે..તેમણે કહ્યું કે હવે પેટ્રોલિંગ નહીં થાય.કરાર થયા પછી પેટ્રોલિંગ ફરી શરૂ થશે. હજી પણ કેટલાક મુદ્દાઓ છે જે અંગે આગળ ચર્ચા કરવામાં આવશે.