બિપરજોય વાવાઝોડા સંદર્ભે મીઠાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજતા મંત્રી કનુભાઈ દેસાઈ
સોલ્ટના ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા મંત્રીની સ્પષ્ટ સૂચના
મોરબી: સંભવિત બિપરજોઈ વાવાઝોડા સંદર્ભે મોરબી આવેલા મંત્રી કનુભાઈ દેસાઈએ નવલખી બંદર નજીક મીઠાના ઉત્પાદપન સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીએ હજી કેટલા મીઠાના અગરિયાઓ અંદર છે અને કેટલા મજૂરોને ખસેડવામાં આવ્યા છે તેની વિગતો ઉદ્યોગકારો પાસે મેળવી જણાવ્યું હતું કે, કોઈપણ મજુર જો અંદર રહેશે અને કોઈ દુર્ઘટના બનશે તો તેના માલિક પર કાનૂની પગલા લેવામાં આવશે. વાવાઝોડા ના પગલે આ ઉદ્યોગોમાં ટ્રાન્સપોર્ટેશન લોડીંગ અનલોડીંગ તમામ બંધ કરવા મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી.
બંદર પર લાગેલા સિગ્નલને અતિ ભયજનક ગણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, પાછા બોલાવી લેવામાં આવેલા કે સ્થળાંતરિત કરેલા લોકોનું વેરિફિકેશન કરી કોઈ પણ વ્યક્તિ અંદર રહી ન જાય તે માટે જવાબદારી પૂર્વક પગલાં લેવા જરૂરી છે. આ તમામ મજૂરો અને કામદારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે જણાવી ઉદ્યોગકારોને સમજાવી તેમના હેઠળના મજૂરોના સ્થળાંતર અને રહેવા જમવા માટે જ્યાં તેમનાથી વ્યવસ્થા ન થાય ત્યાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
આ બેઠકમાં મંત્રી સાથે આ બેઠકમાં મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, માળીયા મામલતદાર બી.જે. પંડ્યા તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.