હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બરોબર માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી મજબૂત કરવા કમર કસી છે. આ વચ્ચે મંગળવારે ફોર્મ ઉપાડવા-ભરવાના બીજા દિવસે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે વધુ 69 જેટલા ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે અને આ સાથે જ એક ઉમેદવારે પોતાનું ફોર્મ રજૂ કર્યું છે….
ફોર્મ ઉપાડવા-ભરવાના બીજા દિવસે વાંકાનેર પ્રાંત કચેરી ખાતેથી વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે વધુ 12 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે. જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટો માટે મામલતદાર કચેરી ખાતેથી 17 અને તાલુકા પંચાયત કચેરી ખાતેથી 24 એમ કુલ 41 જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે.
આવી જ રીતે મોરબી જીલ્લા પંચાયત હેઠળ વાંકાનેર તાલુકાની કુલ છ બેઠકો માટે 16 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે. આ સાથે જ વાંકાનેર તાલુકા પંચાયત હેઠળની લુણસર બેઠક પરથી કિરીટભાઈ નાનજીભાઈ વસીયાણી નામના ઉમેદવારે પોતાનું ફોર્મ રજૂ કર્યું છે.
જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં ચુંટણી રાજકારણ ગરમાઇ રહ્યું છે. જેની અસર વાંકાનેર વિસ્તારમાં પણ દેખાવાની શરૂ થઈ ચૂકી છે. વાંકાનેર નગરપાલિકામાં વોર્ડ વાઈઝ, તાલુકા- પંચાયત જિલ્લા પંચાયત માટે ગામડે ગામડે પક્ષો અને ઉમેદવારોએ સભાઓ શરૂ કરી દીધી છે….