બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કોઈનો ડર રાખ્યા વગર પોતાનું મંતવ્ય ખુલ્લીને આપે છે. તેમના નિવેદનોને કારણે ઘણી વાર તેને ટીકા અથવા વિવાદનો સામનો કરવો પડે છે. હવે કંગના ફરી એકવાર વિવાદમાં આવી છે. તેમની સામે ઉત્તર કર્ણાટકના બેલાગાવી જિલ્લામાં ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે, કંગના સામે ફરિયાદ રાજધાની દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડુતો પરની ટિપ્પણીઓને કારણે કરવામાં આવી હતી. અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાની એક ટિવટમાં આંદોલનકારી ખેડુતોને આતંકવાદી ગણાવ્યા હતા. કંગના સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સક્રિય અભિનેત્રી છે. તે સતત ખેડૂત આંદોલન વિશે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિસાદ આપે છે. ભૂતકાળમાં કંગનાએ ખેડૂત આંદોલનની ટીકા કરી હતી અને વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા હતા. ખેડૂતોને આતંકવાદી કહેવા બદલ કંગના સામે પોલીસમાં ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે શહેર વકીલ હર્ષવર્ધન પાટીલે ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, જો શહેર પોલીસે અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને તપાસ શરૂ કરવાની ના પાડી તો તે કોર્ટનો સંપર્ક કરશે. તેમણે કહ્યું કે કંગના વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 154, 503, 504 505-1, 505 એ, 505 બી, 505-2, અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હર્ષવર્ધન પાટીલે એમ પણ કહ્યું હતું કે, તેઓ આંદોલન કરી રહેલા ખેડૂતોનું અપમાન કરનારા બોલિવૂડ સ્ટાર્સ સામે પણ ફરિયાદ નોંધાવશે. તે જ સમયે, કંગના સામે નોંધાયેલી ફરિયાદની પુષ્ટિ બેલાગાવી પોલીસ કમિશનરે પણ કરી છે.