QR કોડ છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રિમિનલ્સના હથિયાર તરીકે કામ કરી રહ્યું છે. તમે QR કોડ સ્કેન કરીને પેટ્રોલ પંપ અથવા દુકાનદારને ઓનલાઇન ચૂકવણી કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે ક્યૂઆર કોડ સ્કેન કરીને તમે છેતરપિંડીનો પણ ભોગ બની શકો છો ? ક્વિક રિસ્પોન્સ એટલે કે ક્યૂઆર પ્રથમ જાપાનમાં બનાવવામાં આવ્યું હતું. હવે તેનો ઉપયોગ ભારતમાં આડેધડ રીતે કરવામાં આવે છે. પરંતુ જો તમે તેના ઉપયોગમાં સાવચેતી રાખશો નહીં, તો પછી આવા છેતરપિંડીનો ભોગ બની શકો છો. અમે તમને જણાંવવા જઈ રહ્યાં છીએ કે ક્યૂઆર કોડ ફિશિંગ શું છે અને તમે તેને કેવી રીતે ટાળી શકો. જેમ જેમ લોકો ડિજિટલ ટ્રાંઝેક્શન તરફ પ્રગતિ કરી રહ્યા છે તેમ તેમ લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. ઘણા લોકો સંપર્ક વિનાની ચુકવણી કરતી વખતે ક્યૂઆર કોડને સ્કેન કરે છે.છેતરપિંડી કરનાર તેનો લાભ લે છે. તેઓ ક્યૂઆર કોડને બદલી નાખે છે. જેના કારણે પેમેન્ટ છેતરપિંડી કરનારના ખાતામાં જાય છે. સમાન ક્યુઆર કોડ બદલી અને બીજો ક્યૂઆર કોડ દાખલ કરે છે તેને જ ક્યૂઆર કોડ ફિશિંગ કહે છે. આમ થવાથી તમારા પૈસા દુકાનદાર પાસે ન જતા અને છેતરપિંડી કરનારના ખાતામાં જમા થાય છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે, જ્યારે પણ તમે QR કોડ સ્કેન કરો છો અને ચૂકવણી કરો છો ત્યારે સાવચેત રહો. ક્યૂઆર કોડને સ્કેન કર્યા પછી તેમાં રીસીવર એટલે કે મેળવાનારનું નામ આવે છે તેને જરૂર એકવાર ચકાસી લેવું હિતાવહ છે. સંદેશ અથવા ઇમેઇલમાં મળતા કોઈપણ અજાણ્યા અથવા નવા ક્યૂઆર કોડને સ્કેન કરવાનું ટાળો. ફોનના કેમેરાથી સીધા ક્યૂઆર કોડને સ્કેન કરવાને બદલે, એક એપ્લિકેશન સાથે કરો, જે ક્યૂઆર કોડની વિગતો પણ આપે છે. બેંકમાં થયેલ કોઈપણ ખોટા વ્યવહાર પર તાત્કાલિક કાર્યવાહી કરો. છેતરપિંડીના કિસ્સામાં, તમે તેના વિશે સાયબર સેલમાં જાણ પણ કરી શકો છો.