રાજકોટ: દલાલ સાથે છેતરપિંડી નો મામલો પોલીસ ના ટેબલ પર
કપાસનો માલ આવે તે પહેલાં જ રવિભાઈએ રૂ.32.70 લાખ વિનાયક ટ્રેડર્સમાં આરટીજીએસ કર્યા:માલ ન આવતા રવિભાઈએ પેઢીમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે કપાસનો માલ કેન્સલ કરાવી દર્પણ,અંકિત અને કરણ નાણા ચાઉં કરી ગયા રાજકોટ,તા.8 : 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ આવેલા ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટ માં રહેતા જીગરભાઇ મનોજભાઇ કંટેસરીયા (પટેલ) (ઉ.વ.31)એ ફરિયાદમાં કોઠારીયા રોડ શ્રીરામ પાર્ક પાસે આવેલા વિક્રાંતી નગરમાં રહેતા દર્પણ હરેશભાઈ બારસિયા,મૂળ ઉપલેટાના અને હાલ મોટા માવામાં રહેતા કરણ સોજીત્રા અને સ્વામિનારાયણ ચોક પાસે ભાડાના મકાનમાં રહેતા અંકિત મુકેશભાઈ છાપરાનું નામ આપતા કલમ 406, 420, 120 (બી) હેઠળ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ વી.એન.મોરવાડીયા સહિતના સ્ટાફે ત્રણેયને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
જીગરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા સાત વરસથી દલાલીનુ કામ કરું છું.ગઇ તા.03/03 ના સાંજના પાંચેક વાગ્યે વેપારી રવિભાઇ રાદડીયા ઇન્ટેલ ટ્રેડીંગ કંપનીના માલિકનો મને ફોન આવેલ અને જણાવેલ કે કપાસની ખરીદી કરવી છે.તેમ જણાવતા મે તેઓને જણાવેલ કે મારી પાસે કોઇ વેપારી પાસે કપાસનો માલ હોય તો હું તમને જણાવીશ.જેથી મારા કૌટુંબીક માસીયાર ભાઇ પરમભાઇ દિનેશભાઇ વસીયાણી નાઓ મારી સાથે માર્કેટીંગ યાર્ડની દલાલીનુ કામ કરતા હોય અને તેઓ મારી સાથે હોય અને આ વાતની પરમભાઇને જાણ કરી હતી. ત્યારબાદ તા.05/03 સાંજના સાતેક વાગ્યે મને પરમભાઇનો ફોન આવ્યો અને મને જણાવેલ કે દર્પણભાઇ હરેશભાઇ બારસીયા અને કરણભાઇ સોજીત્રા પાસે કપાસનો માલ છે અને તેઓને આ કપાસનો માલ વેચવાનો છે અને કપાસના માલના પૈસા અમને પહેલા આપવા પડશે તેમ વાત કરેલ હતી.ત્યારબાદ તા.06/03 ના સવારે અગિયારેક વાગ્યે હુ મારી ઘરે હાજર હતો
ત્યારે મે રવિભાઇ રાદડીયા ઇન્ટેલ ટ્રેડીંગ કંપનીના માલિકને ફોન કરી કપાસનો માલ દર્પણ તથા કરણ પાસે છે અને પૈસા પહેલા આપવાના છે.તેમ વાત કરી હતી. બાદમાં તા.06/03 ના રોજ દર્પણભાઇએ એક ચેક જે આઇ.ડી.બી.આઇ. બેંકનો છે.તે પરમના વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપ્યો હતો.જે ચેક ઉપર વિનાયક ટ્રેડર્સ લખ્યું હતુ અને જે પેઢીમા પૈસા ટ્રાન્સફર કરવા જણાવેલ હતુ.જેથી 150 ફૂટ રોડ પર આવેલ ઇન્ટેલ ટ્રેડીંગ કંપનીના માલિક રવિભાઇએ રૂ.32,70,000 આર.ટી.જી.એસ, બાલાજી હોલ રવેચી હોટલની સામે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાંચ 150 ફૂટ રીંગ રોડ ખાતેથી વિનાયક ટ્રેડર્સમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યા સુધી કપાસનો માલ મોકલેલ છે જેની કાંટા ચિઠ્ઠી કે ટ્રાન્સપોર્ટ રીસીપ્ટ નહિ મળતા પરમભાઇએ દર્પણભાઇનો સંપર્ક ફોનથી કરેલ પરંતુ સંપર્ક થયો નહિ.
જેથી પરમ રૂબરૂ દર્પણ પાસે ગયો અને ત્યારે દર્પણે એવુ જણાવેલ કે કંપનીમાંથી માલ નીકળેલ નથી જેથી હું તમને પૈસા પરત આપી દઇશ.બાદ તા.07/03 ના રોજ અમે વિનાયક ટ્રેડીંગનો કોન્ટેક કરતા તેઓએ અમને જણાવેલ કે કરણે કપાસનો ઓર્ડર કેન્સલ કરાવ્યો છે. ત્યારે વિનાયક ટ્રેડીંગના કેયુરભાઇએ અમને જણાવેલ કે અમારી પેઢીની આંગણીયા પેઢી બેસ્ટ આંગણીયા ઇન્દીરા સર્કલ ખાતેથી અંકીત આવી પૈસા રોકડા લઇ ગયા છે.તેમ જણાવેલ હતુ.અને દર્પણ તથા કરણ તથા અંકીત નાઓએ ઇન્ટેલ ટ્રેડીંગ કંપનીના રૂ.32,70,000 લઇ ગયા હોય તેવુ અમને જાણ થતા અમે અમારી શાખ માટે રૂ.32,70,000/ ઇન્ટેલ ટ્રેડીંગ કંપનીને તેમના પૈસા પરત આપી દીધા હતા.જેથી અમારી સાથે દર્પણ તથા કરણ તથા અંકીતે કપાસનો માલ આપવાનું નક્કી કરી પહેલેથી જ પૈસા લઇ લેવાનું કાવતરું ઘડી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ત્રણેયને સકંજામાં લેવા તજવીજ આદરી છે.