ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના અનુસાર જાહેર કરવામાં આવી છે.આ 72 ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો પણ સમાવેશ થાય છે.ટિકિટ બાબતે રાજકોટ ભાજપના હોદેદારોને ગાળો ભાંડનાર વોર્ડ નં. 14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નં. 17ના નરેન્દ્ર રાઠોડને ગેરશિસ્ત બદલ પાર્ટીમાંથી તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા.
6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ મહાનગર પાલિકાના વર્તમાન કોર્પોરેટરો પૈકી 20થી વધુ સિનિયર નગરસેવકોના નામ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે લાગુ કરેલાં નિયમોથી કમી થશે.આ તમામ નગરસેવકોમાં ચાર પૂર્વ મેયરો, બે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બે ડેપ્યુટી મેયરોને હવે પછી કોર્પોરેશનમાં ચૂંટાવાની તક નહીં મળે.ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળશે. અગાઉ વિવિધ કેમ્પ કે જૂથના દાવેદારોને તક અપાતી હતી આ નિયમથી જૂથવાદનું રાજકારણ ઘણે અંશે નબળું પડશે અને નવા ચહેરાને તક મળશે.
રાજકોટ મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં સિનિયર-દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે.વોર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ કરી મીડિયાને અંદર આવવા દીધું નહોતું.અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પ્રેસ દરમિયાન ગાળો ભાંડી હતી. બાદમાં નારાજ થઇને ભાજપનું કાર્યાલય છોડી જતા રહ્યાં હતા.ભાજપના સિનિયર નરેન્દ્ર રાઠોડે કહ્યું કે સિનિયોરિટી મુજબ ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે.આવતીકાલે શુક્રવારે ભાજપના 72 ઉમેદવારો ફોર્મ ભરશે. જેને લઇને શહેરના બહુમાળી ભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બહુમાળી ભવન ખાતે ભાજપે રસ્તા વચ્ચે મંડપો બાંધ્યા છે. આથી વાહનચાલકોને સર્કલ ફર્યા વગર જ રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે. આ કારણે વાહનચાલકોમાં અકસ્માત વધે તેવો ડર છે.