કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડુતોને પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે દિલ્હીની સુરક્ષા ખૂબ જ કડક બનાવવામાં આવી છે. અમુક માર્ગો પર ખેડૂતોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન, સોમવારે ખેડૂત આંદોલનનો નજારો મુંબઇમાં પણ જોવા મળ્યો, જ્યાં હજારો ખેડૂત એકઠા થયા. દિલ્હીની સિંઘુ બોર્ડર નજીક એક લાવારિસ બેગ મળી આવી છે, તેની જાણ થતા જ ત્યારબાદ હંગામો મચી ગયો હતો. આ બેગ દિલ્હી બહાર નરેલા નજીક મળ્યા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેની તપાસ કરી રહી છે. જ્યાંથી આ બેગ મળી આવી હતી ત્યાંથી થોડે દુર ખેડુતોનો જમાવડો જામ્યો છે. બાતમી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કર્યા બાદ જ બેગ ખોલવામાં આવશે. કૃષિ કાયદાના વિરોધને લઈને આજે જયપુરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ટ્રેકટરો અહીં તિરંગા સાથે પરેડ કરશે. શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે અને ત્યારબાદ અહીંથી ટ્રેકટરો દિલ્હી જવા રવાના થશે. કોંગ્રેસ પાર્ટી પણ આ ટ્રેક્ટર રેલીના કાર્યક્રમોની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી હતી.