ગત તા. ૨૦/૦૧ ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રમત-ગમત અધિકારીશ્રી, મોરબી દ્વારા વાકાંનેર તાલુકાના નાગરિકો અને બાળકો પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાગૃત બને તેવા હેતુથી રૂ. 22.50 લાખના ખર્ચે તૈયાર થયેલા તાલુકા કક્ષાના જીમ સેન્ટરનું મોરબી જિલ્લા કલેકટરશ્રી જે. બી. પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું….
કોવીડ-૧૯ ના કારણે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કલેક્ટર શ્રીની હાજરીમાં અને રમત-ગમત અધિકારીશ્રી, મોરબી હિરલબેન વ્યાસ તથા નાકીયા સાહેબના માર્ગદર્શન મુજબ વાંકાનેર ખાતે તાલુકા કક્ષાના જેમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, શાળાના માનદ મંત્રીશ્રી એ. બી. મહેતા તથા ટ્રસ્ટી સુરેશભાઈ કણસાગરા, કેતનભાઇ મહેતા, દાતા શ્રીમતિ દમયંતીબેન મહેતા, ડો. મનિષકુમાર ભટ્ટ અને સચિનકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક એ. એમ. પટેલે જહેમત ઉઠાવી હતી….
જીમ સેન્ટરની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરાશે : પ્રિન્સિપાલ
આ તકે શાળાના પ્રિન્સીપાલ શ્રી આર. જે. મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે રમત ગમત અધિકારીશ્રી, મોરબીની સુચના મુજબ જેમ સેન્ટર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેની જાણ નાગરિકોને અગાઉથી કરવામાં આવશે. આ જીમ સેન્ટર શરૂ થયા બાદ વાંકાનેર તાલુકાના નાગરિકો સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ આ જિમ સેંટરનો લાભ મળશે અને પોતાના સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી અંગે લોકો તથા બાળકો જાગૃત બનશે….
સમગ્ર રાજ્યમાં 40 જેટલા સરકારી જીમ સેન્ટરો શરૂ થશે….
સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા 40 જેટલા તાલુકાઓમાં જીમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે પણ જીમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકારી જીમની સુવિધાઓનો લાભ લેવા માટે આમ નાગરિકોને એક મહિનાની રૂ. 50 ફી અને મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકો માટે એક મહિનાની રૂ. 25 ફી રહેશે…