વાંકાનેર તાલુકાના વિડિ ભોજપરા, ખીજડીયા, ઘીયાવડ, રાજાવડલા, કોઠી અને જાલસીકા સહિતના ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ખેતીની જમીનને સરકારે એક નોટિફિકેશન બહાર પાડી ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરેલ છે જેમાં આ તમામ ગામોની ખરાબ અને ગૌચરની જમીનોને પણ સામેલ કરેલ છે. ઉપરાંત ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતી ખાનગી માલિકીની ખેતીની જમીનોના રેવન્યુ રેકોર્ડમાં પણ સરકારે બીજો હક દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ બાબતે વાંકાનેર વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ ઈકો ઝોનને રદ કરવાની માંગણી સાથે લડત ચલાવવા માટે ઈકો ઝોન લડત સમિતિની રચના કરી છે. વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતો અને માલધારીઓ દ્વારા ચાલતી ઈકો ઝોન વિરોધી લડતના પરિણામ સ્વરૂપે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી ખેડૂતોના રેવન્યુ રેકોર્ડ નંબર ૭ માં સરકારનો બીજો હક દાખલ કરવાની મનાઈ કરવામાં આવી છે જે ખેડૂતો-માલધારીઓની આ ઝોન વિરુદ્ધની લડતમાં અડધો વિજય છે.
પરંતુ આ રીતે બીજો હક દાખલ કરવાનો સરકારનો કોઇ અધિકાર ન હોવા છતાં સરકારે જોગવાઈઓ વિરુદ્ધ આ પ્રક્રિયા કરી હતી જેમાં સરકારે આખરે પીછેહઠ કરવી પડી છે. ખરેખર બીજો હક દાખલ ન કરવાનો પરિપત્ર ખેડૂતો માટે લોલીપોપ સમાન છે જેથી વાંકાનેર વિસ્તારના ઈકો સેન્સિટીવ ઝોનમાં સમાવિષ્ટ તમામ ગામના ખેડૂતો અને માલધારીઓ આ ઈકો સેન્સીટીવ ઝોન વિરોધ કરતા ઝોનને સંપૂર્ણ પણે રદ કરવાની માંગણી સુધી લડત ચલાવાની જાહેરાત કરી છે…..
આ અંગે આજે શનિવારના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે મળેલ ઇકો સેન્સીટીવ ઝોન લડત સમિતિ-વાંકાનેરની મિટિંગમાં સંપૂર્ણપણે ઈકો સેન્સિટીવ ઝોનને નાબૂદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં લડત ચલાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વાંકાનેર યાર્ડ ખાતે મળેલા મિટિંગમાં શકીલ પીરઝાદા(ચેરમેન, વાંકાનેર એપીએમસી) ઉસ્માનગની શેરસયા(સામાજિક કાર્યકર), સલીમભાઈ (પુર્વ સરપંચ, ખીજડીયા), મુનીરભાઈ પરાસરા(વીડી ભોજપરા), મનસુખભાઈ ફાંગલીયા(ખીજડીયા), વાલાભાઈ ભરવાડ(જાલસીકા), આરીફભાઈ(રાજાવડલા), ઉસ્માનભાઈ શેરસીયા(કોઠી) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…