પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ગુરુવારે તેમના ચાહકો માટે તેંમની આગામી ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’ અંગેના સમાચાર આપ્યા હતા. ‘ઈન્ડિયા લોકડાઉન’ નું શૂટિંગ આ શનિવારથી શરૂ થયું છે. જે અંગેની માહિતી મધુર ભંડારકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી હતી. ફિલ્મના શીર્ષક મુજબ, આ ફિલ્મ લોકડાઉન અંગે છે અને તેમાં પ્રિતિક બબ્બર, આહના કુમરા, શ્વેતા બાસુ પ્રસાદ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આહના કુમરા પાયલોટની ભૂમિકામાં છે. તેનું પાત્ર સતત કામ કરતી સ્ત્રીનું છે. જો કે, જ્યારે દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવે છે, ત્યારે મહિલાને પણ તેના ઘરે કેદ કરવાની ફરજ પડે છે. તેના પાત્ર અંગે આહનાએ ખુલાસો કર્યો હતો કે તે આ ફિલ્મમાં પાઈલોટનું પાત્ર ભજવી રહી છે જે લોકડાઉન દરમિયાન મુંબઈમાં તેના ઘરે ફસાઈ જાય છે. ‘જ્યારે તે સ્ત્રી તેના ઘરે કેદ થાય છે, ત્યારે તે ક્યાંય મુસાફરી કરી શકતી નથી. આ સમય દરમિયાન તેને સમજણ મળે છે કે જીવનમાં સંબંધોનું શું મહત્વ છે. તે લોકડાઉન દરમ્યાન એકલતા અનુભવે છે અને તેની શૂન્યતા દૂર કરવા માટે તેની આસપાસ કોઈ નથી. આહનાએ જણાવ્યુ હતું કે તેના માટે, આ ફિલ્મ ખૂબ જ રસપ્રદ ફિલ્મ છે. ફિલ્મ ‘ઇન્ડિયા લોકડાઉન’ નું નિર્દેશન મધુર ભંડારકર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યા છે. મધુર ભંડારકરે તેની ફિલ્મ કારકીર્દિમાં ‘ચાંદની બાર’, ‘પેજ 3’, ‘સત્તા’, ‘ફેશન’, ‘કોર્પોરેટ’, ‘હિરોઇન’ જેવી સ્ત્રીલક્ષી ફિલ્મો બનાવી છે. અને આ ફિલ્મો દ્વારા તેઓએ મોટાભાગે ફિલ્મ ઉદ્યોગની સત્યતાને ઉજાગર કરી છે.