ચીનમાં એક ચિકન પ્લાન્ટની અંદર કોરોના વાયરસનું એક ક્લસ્ટર મળી આવ્યું છે. ચીને પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામ કરતા મજૂરોમાં કોરોના વાયરસના પ્રથમ ક્લસ્ટરની માહિતી આપી હતી. આ સમાચાર બહાર આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક ગ્રાહકોમાં ભયનું વાતાવરણ છે જેઓ અત્યાર સુધી મુખ્યત્વે આયાત કરેલા ખોરાકની સલામતી અંગે ચિંતિત હતા.ઉત્તર-પૂર્વ શહેર હાર્બિનમાં આવેલા આ ચિકન પ્રોસેસિંગ પ્લાન્ટમાં કોરોના વાયરસના દસ નવા કેસોની પુષ્ટિ થઈ છે. આ ચિકન પ્લાન્ટમાં એક વર્ષમાં 5 કરોડનું ચિકન તૈયાર કરવામાં આવે છે. આ ચિકન પ્લાન્ટની માલિકી વિશ્વની ટોચની મરઘાં ઉત્પાદકોમાંની એક થાઇ કોંગ્લોમરેટ સમૂહ ચારોન પોકફંડની છે.ચીની અધીકારીઓએ ગુરુવારે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ચિકન પ્લાન્ટમાં કોરોના વાયરસના ક્લસ્ટર પછી ત્યાં મળી આવેલા અન્ય 28 મજૂરો અને ત્રણ પરિવારના સભ્યોની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં હજી સુધી કોઈ લક્ષણો મળ્યા નથી.
ગયા વર્ષે ચીને આયાત કરેલા ફ્રોઝન માંસ અને માછલીને કોરોના વાયરસના મૂળ તરીકે જવાબદાર ગણાવ્યા હતા. પરંતુ હજી સુધી ચીનમાં કોઈ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કોરોના વાયરસ ક્લસ્ટર હોવાના અહેવાલ મળ્યા નથી. હવે ચીનની અંદર આવેલા આ ક્લસ્ટરથી ચીનની પોલ ખુલી ગઈ છે.ચીનમાં, બે મહિના પહેલા,ફ્રોઝન ખાદ્ય પદાર્થોમાં કોરોના વાયરસ મળ્યાનો એક કિસ્સો સામે આવ્યો હતો. બ્રાઝિલથી ફ્રોઝન બીફ માંસ અને સાઉદી અરેબિયાથી ફ્રોઝન જીંગાના પેકેટમાં જીવિત કોરોના વાયરસ મળ્યો હતો.જોકે, ચીને તેનો દોષ અન્ય દેશો પર લગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ અન્ય દેશોમાંથી આયાત કરેલા ફ્રોઝન માંસમાંથી મળી આવ્યો છે.