વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યા છે.ભારતમાં વોલ કલોક મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા મોરબીમાં ઉત્પાદકો ઘડિયાળના અગત્યના પાર્ટ મૂવમેન્ટ મશીનના મામલે ચીન પરનું અવલંબન મોટા પ્રમાણમાં ઘટાડવામાં સફળ થયા છે અને ચીન પરનો આધાર સંપૂર્ણ રીતે ઘટાડવા ઇન્ડસ્ટ્રી સક્રિય બની છે. મોરબી વોલ ક્લોક ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, શહેરમાં દૈનિક 1.50 લાખ ક્લોકનું ઉત્પાદન થાય છે અને એના માટે એટલી જ સંખ્યામાં મૂવમેન્ટ મશીનની જરૂર રહે છે.
ચીનથી આયાત થતા પુર્જાઓમાં મૂવમેન્ટ મશીનનું પ્રમાણ સૌથી મોટું હતું, પરંતુ ભારતની સૌથી મોટી ઘડિયાળ ઉત્પાદક કંપની અજંતાએ પહેલ કરીને મૂવમેન્ટ મશીન મોરબીમાં જ બને એવા પ્રયાસો કર્યા હતા. એ પછી હાલ વધુ કેટલીક કંપનીઓ પણ મૂવમેન્ટ મશીનનું ઘરઆંગણે ઉત્પાદન કરી રહી છે. એને લીધે ચીનથી થતી આયાતમાં 60 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરી શકાયો છે.
સોનમ ક્લોક્સના મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું કે મૂવમેન્ટ મશીનના મામલે હવે મોરબી ઘણાખરા અંશે આત્મનિર્ભર બન્યું છે. જોકે હજુ પણ અમને સંતોષ નથી અને અમે ચીનની આયાત ઝીરો કરવા પ્રયત્નશીલ છીએ. મોરબીમાં રોજની આશરે 1.50 લાખ અને વાર્ષિક 4 કરોડથી વધુ ઘડિયાળો બને છે. એ માટે એટલી જ સંખ્યામાં મૂવમેન્ટ મશીનની જરૂર રહેતી હતી. મૂવમેન્ટ મશીન ચીનથી આયાત કરવું પડતું હતું. તેની સામે વીતેલાં બે વર્ષમાં મોરબીમાં જ 60% જેવું ઉત્પાદન થવા લાગ્યું છે. હાલમાં સોનમ તેમજ અજંતા બહોળા પ્રમાણમાં એનું ઉત્પાદન કરે છે. એક વર્ષ અગાઉ અમે રૂ. 15 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે મૂવમેન્ટ મશીન બનાવવાનું શરૂ કર્યું છે. અમારી પોતાની 25,000 નંગની જરૂરિયાત ઉપરાંત બીજા 15,000 નંગ અમે અન્ય ક્લોક ઉત્પાદકોને પણ સપ્લાઇ કરીએ છીએ.
મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખએ જણાવ્યું હતું કે આજથી લગભગ બે દાયકા પહેલાં મૂવમેન્ટ મશીન ભારતમાં બનતા હતા, પણ તેના ભાવ એ સમયે પણ રૂ. 80-90 પર પીસ જેવા હતા. ત્યાર બાદ ચીનથી એની આયાત શરુ થઇ અને આજે એની કિંમત રૂ. 10-12 આસપાસ હોય છે. ભારતની વોલ ક્લોક ઇન્ડસ્ટ્રીમાં અંદાજે 85%થી વધુનો હિસ્સો મોરબીનો છે. આ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન સાથે 20,000થી વધુ લોકો જોડાયેલા છે. આમાંથી 16,000 એટલે કે 80% મહિલાઓ છે.આમ, મોરબી દિવસેને દિવસે આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.