કોસ્મેટિકની દુકાન ધરાવતા વેપારી સાથે રિલાયન્સ મોલના સબ મેનેજરે 17.35 લાખની છેતરપિંડી કરી !
મોરબીના નવાડેલા રોડ ઉપર કોસ્મેટિકની દુકાન ધરાવતા વેપારી સાથે રિલાયન્સ મોલના સબ મેનેજરે રૂપિયા 17.35 લાખની છેતરપિંડી કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા અને નવાડેલા રોડ ઉપર કોસ્મેટિકનો હોલસેલ વેપાર કરતા હિરેનભાઇ મનસુખભાઇ કાવરને રિલાયન્સ મોલમાં સબ મેનેજર તરીકે નોકરી કરતા સમયસીંગ મીના રહે.હાલ મોરબી શનાળા રોડ પી.જી.કલોક પાછળ લીમડા પાનવાળી શેરી તા.જી.મોરબી મુળ રહે.૫૫-મીના બસ્તી, નંદાકાલન,તા.ટોળાભીમ જી.કરોલી રાજસ્થાન વાળા સાથે છેલ્લા બે વર્ષથી કોસ્મેટિક, સાબુ અને બિસ્કિટ જેવી ચીજવસ્તુની ખરીદી કરતા હતા.
ગત તા.9 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન સમયસિંગ હિરેનભાઈની દુકાને આવી કટકે કટકે રૂપિયા 17.35 લાખ મેળવી કોસ્મેટિક ચીજવસ્તુઓના કુલ 23 બિલ આપ્યા હતા પરંતુ ખાસો સમય વીતવા છતાં માલ ન મોકલતા હિરેનભાઈ રિલાયન્સ મોલે ગયા હતા. જ્યાં રિલાયન્સ મોલના મેનેજર વિમલભાઈ હાથીને માલ ન મળ્યા અંગે ફરિયાદ કરતા વિમલભાઈએ બિલ બતાવવા જણાવતા હિરેનભાઈએ તમામ બીલ બતાવતા આ બિલ ખોટા હોવાનું સામે આવતા સમયસિંગે સાચા બિલ પોતાના ઘેર પડયા હોવાનું જણાવી બિલ ઘેરથી લઈ આવું તેમ કહી જતો રહ્યો હતો.ત્યાર બાદ રિલાયન્સના જનરલ મેનેજર વિમલભાઈ હાથી ઉપર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો કે સમયસિંગે ઝેરી દવા પીધી છે. જેથી તેઓ ઘેર જતા સ્યુસાઇડ નોટમાં પોતે હિરેનભાઈ પાસેથી મેળવેલા રૂપિયામાંથી 11 લાખ ઓનલાઇન જુગારમાં હારી ગયો હોવાનું જણાવ્યું હતું.