મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા બે નવા પુલ બનાવવા પૂર્વ ધારાસભ્યની રજૂઆત
દિવસે ને દિવસે મોરબી જિલ્લામાં ટ્રાફિક ની સમસ્યા વધી રહી છે. ત્યારે મોરબી વાસીઓ ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. મોરબી જિલ્લો ઔધોગિક ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. બીજા રાજ્યમાંથી પણ લોકો ધંધા રોજગાર માટે મોરબીમાં આવતા હોય છે. જેથી વસ્તીમાં વધારો થતાં ટ્રાફિક સમસ્યા પણ વિકરાળ બની છે. ત્યારે મોરબીની ટ્રાફિક સમસ્યાને હલ કરવા મચ્છુ નદી પર બે વૈકલ્પિક પુલ બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મોરબી શહેરના મચ્છુબારી દરબાર ગઢથી મહાપ્રભુજીની બેઠક સુધી તેમજ બીજો પુલ લીલાપર થી ભડિયાદ હેડવર્કસ જ્યાં રાજાશાહી વખતની મહાજનની પાજ આવેલ છે ત્યાં સુધી આ બે બ્રિજ બનાવવા માટેની રજૂઆત મુખ્યમંત્રીને કરી છે.