રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકામાં ફરી એકવાર હિંસાનું સ્વરૂપ જોવા મળ્યું. આ વખતે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટોલમાં હંગામો મચાવ્યો હતો. જ્યારે ભારતમાં મોડી રાત થઈ ત્યારે ટ્રમ્પના હજારો સમર્થકો હથિયારો સાથે કેપિટોલ હિલમાં પ્રવેશ્યા, તોડફોડ કરી, સેનેટરોને બહાર કાઢ્યા અને કબ્જો કરી લીધો. જો કે, લાંબી મથામણ બાદ, સુરક્ષા દળોએ તેમને બહાર કાઢ્યા અને કેપિટલ હિલને સુરક્ષિત કરી વોશિંગ્ટન હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, કેપિટોલ હિલની એક ઇલેકટોરિયલ કોલેજની પ્રક્રિયા ચાલી રહી હતી, જે અંતર્ગત જો બિડેનને રાષ્ટ્રપતિ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન, હજારો ટ્રમ્પ સમર્થકોએ વોશિંગ્ટનમાં કૂચ કરી અને કેપિટલ હિલ પર હુમલો કર્યો. અહીં, ફરીથી મતની ગણતરી કરવા માટે, ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાં રાખવાની માંગ કરવામાં આવી હતી.
ચાર લોકોના મોત, વોશિંગ્ટનમાં કટોકટી જાહેર
કેપિટલમાં ચાલી રહેલા હંગામને શાંત કરવા સુરક્ષા વધારવામાં આવી હતી. પરંતુ આ હંગામો અટક્યો નહીં અને બધા સમર્થકો કેપિટોલ હિલ તરફ આગળ વધવા લાગ્યા આ દરમિયાન, સુરક્ષા દળોએ તેમને રોકવા માટે લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળાઓનો ઉપયોગ કર્યો હતો. વોશિંગ્ટન પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે આ હિંસામાં કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આમાંની એક મહિલાનું મોત પોલીસની ગોળીથી થયું છે. જ્યારે આખો વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ સમર્થકો પાસે બંદૂકો ઉપરાંત અન્ય ખતરનાક વસ્તુઓ હતી. અમેરિકાના વોશિંગ્ટનમાં હિંસા બાદ જાહેર કટોકટી લાદવામાં આવી છે. વોશિંગ્ટનના મેયરના જણાવ્યા મુજબ, ઇમરજન્સીમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. સમર્થકો દ્વારા થયેલા હોબાળાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ નિશાન પર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના વોશિંગ્ટનમાંથયેલ હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ રીતે સત્તા સ્થાનાંતરિત કરવી જરૂરી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બીડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ વિવાદની નિંદા કરી હતી, સાથે જ તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવ્યા હતા. જો બિડેને કહ્યું કે ટ્રમ્પે તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએ, તેના સમર્થકોને સમજાવવા જોઈએ. જોકે, જ્યારે વોશિંગ્ટનમાં આ હોબાળો ચાલી રહ્યો હતો, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શાંત રહ્યા હતા. પરંતુ થોડા સમય પછી, તેણે ટ્વિટર પર એક વિડિઓ જાહેર કર્યો, જેમાં તેણે સમર્થકોને ઘરે પાછા ફરવાની અપીલ કરી. પરંતુ આ વીડિયોમાં પણ તે ચૂંટણી અંગે નકલી દાવા કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ આ વીડિયોને પણ હટાવી દેવામાં આવ્યો હતો.