ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાએ દાવો કર્યો છે કે તેમને 2017 માં ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં આ દાવો કર્યો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે તેને આ વિશે કોઈ ખ્યાલ નથી કે આ ઝેર કોણે અને ક્યારે આપ્યું હતું. તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ ઝેર તેને બેંગલોરમાં એક પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ તેની ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરી હતી તપન મિશ્રાના દાવા મુજબ તેમનો માંડ માંડ જીવ બચ્યો હતો. ઝેરને કારણે તેમનું 30થી 40 ટકા જેટલું બ્લડ લોસ થયું હતું. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપન મિશ્રાએ કહ્યું,” આ પછી મારે સતત બે વર્ષ સુધી સારવાર લેવી પડી, તેથી જ મેં આ વિશે કોઈની સાથે વાત કરી નથી. હું ભાગ્યશાળી છું કારણ કે આ ઝેર લીધા પછી કોઈ જીવતું નથી. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઇચ્છું છું કે લોકોને આ વિશેની જાણ થાય જેથી જો હું મરી જઈશ તો બધાને ખબર હશે કે મારી સાથે શું થયું છે.”
ઇસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ એઈમ્સનો મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો છે.
તપન મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે ઇસરોમાં આપણને મોટા વૈજ્ઞાનિકના શંકાસ્પદ મૃત્યુના સમાચાર મળ્યા છે. વર્ષ 1971 માં પ્રોફેસર વિક્રમ સારાભાઇનું અવસાન શંકાસ્પદ હતું. ત્યારબાદ 1999 માં વીએસએસસીના ડાયરેક્ટર ડો. એસ. શ્રીનિવાસનના મોત પર પણ સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં 1994 માં શ્રી નંબિનનારાયણનો મામલો પણ બધાની સામે આવ્યો હતો. પણ મને ખબર નહોતી કે એક દિવસ હું આ રહસ્યનો ભોગ બનીશ.