સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. અદાલતે વકીલ વતી ફાઇલ કરેલી અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે અમે ખેડૂતોની સ્થિતિ સમજી રહ્યા છીએ. આ અરજીમાં વકીલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદાઓને નાબૂદ કરવાની માંગ કરી છે. ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત અને સરકાર વચ્ચેની વાટાઘાટો આજ સુધી નિરર્થક રહી છે. ખેડૂત આંદોલનનો બુધવારે 42મો દિવસ છે. આ અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સરકારને આશા છે કે આ આંદોલન ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે વાત કરી રહ્યા છીએ. સાથે જ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે અમને આશા છે કે બંને પક્ષો કોઈ એક મુદ્દે સહમત થશે. આ અંગે સીજેઆઈ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે અમે પરિસ્થિતિથી વાકેફ છીએ અને વાતચીત આગળ વધે તેવું ઇચ્છીએ છીએ. અમે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે જોઈ રહ્યા છીએ. સિંધુ બોર્ડર પર ખેડૂતોએ કહ્યું હતું કે જો સરકાર કૃષિ કાયદાને પાછા નહીં લે તો તેઓ દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરશે. પરેડનું નેતૃત્વ પંજાબ અને હરિયાણાની મહિલાઓ કરશે. ખેડૂતોની સરકાર સાથે 8 જાન્યુઆરીએ વાતચીત થાય તેવી શ્ક્યતા છે.