મોરબી લજાઈ ચોકડી નજીક આવેલ ધરતીધન હોટલમાં ચા-પાણી નાસ્તો કરવા ગયેલા આધેડને સેન્ટ્રો કારના ચાલકે હડફેટે લેતા આ અકસ્માતમાં આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૂળ લજાઈ અને હાલ વડોદરા રહેતા રવીભાઇ રસીકભાઇ વિઠલાપરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11 જુનના રોજ લજાઈ ખાતે રહેતા અને નિવૃત જીવન ગાળતા તેમના પિતાજી રસિકભાઈ જીવાભાઈ વિઠલાપરા હોટલ ધરતીધન ખાતે ચા-પાણી નાસ્તો કરવા બાઈક લઈને ગયા હતા જ્યાંથી પરત આવતી વખતે સેન્ટ્રો કાર રજીસ્ટર નંબર જી.જે.-03-સી.આર.-3764 ના ચાલકે તેમને હડફેટે લઈ અકસ્માત સર્જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યાર બાદ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા આ મામલે તેમના પુત્ર રવીએ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં સેન્ટ્રો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
