ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એક નવા પુસ્તક ‘વ્યંગવિનોદ વિહાર’ ને આવકાર
મોરબીના આચાર્ય, શિક્ષક, લેખક ડૉ. અમૃત કાંજિયાના અમથા આંટાફેરા, હાસ્યામૃત, પોક મૂકીને હસીએ, કલમના ઘસરકા બાદ હવે વ્યંગવિનોદ વિહાર નામનું પાંચમું પુસ્તક પ્રકાશિત થયું.
આ લેખકના ‘વ્યંગવિનોદ વિહાર’ થી ગુજરાતી હાસ્ય સાહિત્યના પુસ્તકમાં એકનું ઉમેરણ થયું છે.
લેખક પ્રસ્તાવના લખે છે – ‘વિષાદ વિમોચન વેળાએ’ આ શીર્ષકથી. એમના મતે હસી શકવું એ રોજનો રોકડનો નફો છે. હસતા મનુષ્યની આવકમાં ડૉક્ટરો ભાગ્યે જ પાર્ટનર બની શકે છે. એમની આ બુકમાંના નિબંધોમાં વ્યંગ દ્વારા વિનોદ ફલિત થયા કરે છે. કોઈની ઠઠ્ઠામશ્કરી દ્વારા હાસ્ય માટે પ્રયાસ કરવો એ તો આ લેખકને આવડ્યું જ નથી. હા, મનુષ્યના સ્વભાવની અળવીતરાઈને એ જોરશોરથી ફટકારવામાં કંઈ જ બાકી રાખતા નથી. સરળ અને લોકભોગ્ય શૈલીમાં, વિદ્વાન હોવા છતાં વિદ્વતાને કોરાણે મૂકીને વારંવાર પોતાની જાત પર હસતા-હસાવતા લેખક સાચી વાત કહી દેવા માટે જ જાણે હાસ્યનું શસ્ત્ર હાથ ધરે છે!
એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી નિબંધ પૂરો કર્યા વગર ઊઠવું જ અશક્ય બની જાય છે.
ભાણદેવે યથાર્થ જ કહ્યું છે, “હાસ્યરસ પ્રગટાવવો એ સરળ વાત નથી. તે માટે ઘણી ગહન સમજ અને સૂક્ષ્મ બુદ્ધિ આવશ્યક છે. ભાઈ અમૃતલાલમાં હાસ્યરસ નિષ્પન્ન કરાવવા માટે આવશ્યક આવી સૂક્ષ્મ સમજ અને સૂક્ષ્મ બુદ્ધિ છે અને તદ્દનુસાર તેઓ હાસ્ય-લેખક બની શક્યા છે.”
ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પુસ્તક પ્રકાશિત કરવા માટે પ્રકાશન યોજનામાં સમાવ્યું છે.
વિષય વૈવિધ્ય અને હળવીશૈલીમાં ગંભીર બાબત તરફ ઇંગિત કરતા પુસ્તકોમાં આ પુસ્તકની ગણના ચોક્કસ થશે.
29 લેખો અને 128 પેઈજનું આ પુસ્તક યાદગાર દિવસોએ મિત્રો-સંબંધીઓને ભેટ આપી શકાય એવું છે.
લેખકની કલમયાત્રામાંના આ પાંચમા પડાવ પર એમની આ સર્જનયાત્રા આગળ વધતી જ રહે એવી અનેક કવિ, લેખકો, વાંચકો અને શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી છે.