રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42020 પર પહોંચી ગઇ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 537 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 173 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી રાજકોટમાં સ્થિતિ સામાન્ય થવા તરફ છે. રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 7844 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.ગઇકાલે રાજકોટમાં 127 કેસ નોંધાયા હતા. 60 દિવસમાં સરેરાશ 7700 ટેસ્ટ રોજ થયા.
કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતા ગામડાઓ વધુ સંક્રમિત બન્યા હતા. ગામડામાં આરોગ્યનો અભાવ અને માહિતીના અભાવે ગુજરાતના તમામ ગામમાં કેસોની સંખ્યા અને મૃત્યુઆંક પણ વધ્યો હતો. પરંતુ છેલ્લા આઠ દિવસમાં રાજકોટ જિલ્લાના 605 ગામમાંથી 410 ગામમાં એક પણ કેસ નોંધાયો નથી. તેમજ છેલ્લા 21 દિવસમાં 150 ગામમાં એક પણ વ્યક્તિને કોરોના થયો નથી. આથી રાજકોટના ગામડાઓ કોરોનામુક્ત ગામ તરફ આગળ વધી રહ્યાં છે. ગામડામાં કોરોનાનો અંતનો આરંભ થઇ ગયો છે.60 ટકા જેટલા ગામમાં એક અઠવાડિયામાં એક પણ કેસ નહિ.પડધરીના 14, લોધિકાના 14, જેતપુરના 4, ગોંડલના 20, કોટડાસાંગાણીના 23, જસદણના 23, વીંછિયાના 22, ધોરાજીના 6, ઉપલેટાના 15, જામકંડોરણાના 4 અને સૌથી વધુ રાજકોટ તાલુકાના 44 ગામ કોરોનામુક્ત થયા છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછા જામકંડોરણા અને જેતપુર તાલુકના 4 ગામ કોરોનામુક્ત થયા છે. જ્યારે રાજકોટ તાલુકાના સૌથી વધુ 75 ગામમાં 0 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ધોરાજી તાલુકાના 16 ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.ત્રણ અઠવાડિયાથી 60 ટકા જેટલા કેસમાં ઘટાડો નોંધાયો છે.રસીકરણના અભિયાન વેગવંતુ બન્યું છે. વીરનગરના કોવિડ સેન્ટરમાં હવે એક પણ દર્દી નથી.