રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જ્યારે કુલ કેસની સંખ્યા 37571 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3253 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 527 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં તેના બાદ થતો મ્યુકરમાઈકોસિસનો રોગ ગંભીર બનીને વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે હવે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવતા બે જ દિવસમાં નવા દર્દી દાખલ થયા છે આ સાથે હાલ દર્દીની સંખ્યા 125 થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે આ સાથે રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો 250 બેડ ધરાવતો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે.
થોડા સમય પહેલા રાજકોટવાસીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કોવિડ માહિતી અંગે વિગત જાહેર કરતું પોર્ટલ તૈયાર કરવા માગ ઉઠી હતી અને તંત્ર સામે આ માટે વોર ચલાવવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા શહેર અને જિલ્લાની માહિતી દર્શાવતું કોવિડ બેડ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા વેબપોર્ટલના આંકડા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 6856 કુલ બેડની વ્યવસ્થા છે. જેની સામે હાલની સ્થિતિ મુજબ 5382 બેડ ભરેલા છે. જ્યારે કે 1474 બેડ ખાલી છે. જેમાં 4835 ઓક્સિજન બેડનો સમાવેશ થાય છે. જ્યારે કે 780 ICU બેડનો સમાવેશ થાય છે. જોકે આજે પણ મોટાભાગના ઓક્સિજન અને ICU બેડ હાઉસફૂલ જોવા મળી રહ્યાં છે. જે પણ એક ચિંતાનો વિષય જરૂર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં ફક્ત 2 ટકાને જ ઓક્સિજન અને 5 ટકાને જ રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે, પરંતુ પેનિકની ભારતીયોમાં ખૂબ જ ખરાબ ટેવ છે. હાલની કોરોના મહામારીમાં એ જ પેનિક સૌથી ભયાનક પરિણામ લાવે છે. આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે. પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડતી હોવાનું જાણવા મળ્યું છે.