45 ગાય માતાનું કતલ: ગૌમાતાની કતલ કરી માસની તસ્કરી કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં ૧૩ ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી ૪૫ ગાયો ગુમ કરી કતલ કરી હોવાનુ સામે આવ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પંથકમાં માલધારીઓ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની ૫૦ જેટલી ગાયોને ચરાવવા માટે આપી હતી. જે પૈકીની 14 જેટલી ગાય પરત ન આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું ૧૩ ગાયોની કતલ કરી ગૌમાંસની તસ્કરી કરવામાં આવી હતી જેથી ચાર શખ્સોનો નામ ખુલતા તેની વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
ત્યારે ગાયોની કતલ કરી હોવાની વધુ એક ફરીયાદ નોંધાઇ છે જેમાં હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા મેહુલભાઈ અરજણભાઇ ગોલતર (ઉ.વ.૨૧) એ આરોપી મુસ્તાક અમીન લધાણી તથા અમીન કરીમ લધાણી રહે. બંને ચીખલી તા. માળીયા (મીં)વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ ઢોર-ગાયો ચરાવવાનો ધંધો કરતા હોય જેથી ફરીયાદીએ તેમની માલીકીની ગાયો જીવ-૨૫ તથા સાહેદ જીવણભાઈ ખેતાભાઈએ તેમની માલીકીની ગાયો જીવ-૨૦ ની આરોપીઓ રખેવાળ તરીકે ચરાવવા લઈ ગયેલ હોય જે પૈકી ફરીયાદીની ગાયો જીવ-૨૫ કુલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા સાહેદ જીવણભાઈ ની ગાયો જીવ-૨૦ ની કુલ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૫૦,૦૦૦/- ના મુદામાલની ગાયો જીવ-૪૫ પરત નહી આપી, ક્રુરતાપુર્વક કાપી કપાવી નાખેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.