ભારતીય જનતા પાર્ટીના 41મા સ્થાપના દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશભરના પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે પક્ષના કાર્યકરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું કે તેમના યોગદાનને કારણે જ ભાજપ આજે વિશ્વનો સૌથી મોટો પક્ષ બની ગયો છે. આ ઉપરાંત તેમણે દેશના નાના ખેડુતો, અને મહિલાઓ માટે શરૂ કરાયેલી યોજનાઓ અને તેનાથી થતા ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આજે ભાજપ સાથે ગામ-અને ગરીબોનું જોડાણ વધી રહ્યું છે કારણ કે આજે તેઓ પહેલીવાર અંત્યોદયને સાકાર થતાં જોઈ રહ્યા છે. આજે, 21 મી સદીના યુવાઓ ભાજપની સાથે, ભાજપની નીતિઓ સાથે, ભાજપના પ્રયત્નો સાથે છે. તેમણે કહ્યું કે,કાર્યકરો ભાજપને તાકાત આપે છે, લોકોની વચ્ચે કામ કરે છે અને સંગઠનની શક્તિમાં વધારો કરે છે. તેમના જીવન, આચાર અને પ્રયત્નો દ્વારા તેઓ લોકોનું દિલ જીતવાનું કામ કરતા રહે છે. કાર્યકરોના પ્રયત્નોને કારણે આજે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. વડા પ્રધાને કહ્યું, ‘ભાજપ સ્થાપના દિન પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે પાર્ટીની ગૌરવપૂર્ણ યાત્રાના 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ સાક્ષી છે કે પાર્ટી સેવા અને સમર્પણ સાથે કેવી રીતે કાર્ય કરે છે. ‘ તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણા દેશમાં રાજકીય સ્વાર્થ માટે પક્ષો તૂટી જવાના ઘણા દાખલા છે પરંતુ દેશના હિતમાં લોકશાહી માટે પક્ષમાં ભળી જવાના ભાગ્યે જ બનેલા બનાવો ક્યાંક જ જોવા મળે છે. ભારતીય જનસંઘે આ કરી બતાવ્યું.’
ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980 માં આ દિવસે કરવામાં આવી હતી. આ નવી પાર્ટીની શરૂઆત શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા 1951 માં સ્થાપિત ભારતીય જન સંઘથી થઈ હતી. 1977 માં કટોકટીની ઘોષણા પછી, જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે ભળી ગયો અને જનતા પાર્ટીનો ઉદય થયો. 1977 ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીએ કોંગ્રેસ પાસેથી સત્તા સંભાળી હતી અને 1980 માં જનતા પાર્ટીનો ભંગ કરી અને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો હતો. યોગાનુયોગ, આ વખતે મહત્વના દિવસે ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાપના દિન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રમમાં, રાજ્ય અને જિલ્લા કક્ષાએ વેબિનારો ગોઠવીને પક્ષની પ્રતિબદ્ધતા, ગૌરવપૂર્ણ ઇતિહાસ તેમજ તેના આદર્શો અને પ્રતિબદ્ધતાઓની ચર્ચા કરવામાં આવશે.