17 સપ્ટેમ્બરથી મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ
મોરબીના જેતપર ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરાશે; જિલ્લો બનશે વધુ સ્વચ્છ અને સુંદર
સમગ્ર રાજ્યોમાં યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ને પણ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં મોરબી તાલુકાના જેતપર ગામે જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજી સ્વચ્છતા ઝુંબેશનો આરંભ કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લામાં યોજાના વિવિધ કાર્યક્રમો અન્વયે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ કલાકે મોરબીના જેતપર ખાતે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
ઉપરાંત ટંકારા તાલુકાના લજાઈ ખાતે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો તેમજ માળિયા તાલુકાના વવાણીયા, હળવદ તાલુકાના મયુર નગર અને વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે તાલુકા પંચાયતના પ્રમુખોના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં સહભાગી બની મોરબી જિલ્લાને સ્વચ્છ અને રળિયામણો બનાવવા માટે મોરબી વાસીઓને પણ સહકાર આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.