રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક ફોર્મ મોકલી તેમા 30 કોલમ જણાવી છે. એક એક દર્દીની તમામ વિગતો આ 30 કોલમ મુજબ ભરી દિલ્હી મોકલવાની છે. હાલ રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 700 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.700થી 750 દર્દીઓની વિગતો ભરી આજે દિલ્હી મોકલવામાં આવશે.30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટ શહેરમાં કોરોનાના 41 હજાર અને ગ્રામ્યમાં 14 હજાર કેસ નોંધાયા છે પણ કાળીફુગના શનિવારની સ્થિતિએ 637 દર્દીમાંથી 188 રાજકોટ શહેર, 187 ગ્રામ્ય તેમજ 262 અન્ય જિલ્લાના દર્દીઓ છે. આ પ્રમાણ 30, 29 અને 41 ટકા છે જે પરથી સ્પષ્ટ થાય છે કે શહેર કરતા ગ્રામ્ય તેમજ નાના શહેરોમાં મ્યુકરનું પ્રમાણ કોરોનાના કેસની સાપેક્ષમાં વધુ છે. જિલ્લામાં સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ ગોંડલમાંથી નીકળ્યા છે. જ્યારે શહેરમાં વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કોવિડ કેસ હતા પણ મ્યુકરના સૌથી વધુ 37 ટકા કેસ સેન્ટ્રલ ઝોનમાંથી નીકળ્યા છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટથી મ્યુકોરમાઇકોસિસને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે કે, મ્યુકોરમાઇકોસિસના ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 250 જેટલા દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. જ્યારે કે 116 જેટલા પોસ્ટ ઓપરેટીવ દર્દીઓને સમર્થ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 10 દર્દીના મોત થયા હતા જે પૈકી 1 દર્દીનું કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 41428 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 798 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં 26 કેસ નોંધાયા છે.શહેરના બાપુનગર અને મવડી સ્મશાનગૃહ હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવ્યા હતા. જે પૈકી હવેથી ફક્ત બાપુનગર સ્મશાનગૃહ કોવિડ બોડી માટે અનામત રહેશે જ્યારે અન્ય તમામ સ્મશાનો ખાતે સામાન્ય બોડી (નોન-કોવિડ) બોડી લઈ જઈ શકાશે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા 9847 નાગરિકોએ રસી લીધી છે.