Thursday, January 2, 2025

10મો ઘુડખર વસ્તી ગણતરી અંદાજ- 2024; ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસ્તી-7672

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

છેલ્લા ૫ વર્ષમાં અંદાજે ૨૬ ટકાનો વધારો : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

ઘુડખરની સાથેસાથે નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોની ગણતરી પણ યોજાઈ

રાજ્યમાં સૌથી વધુ ૨,૭૦૫ જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં

ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે, તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે ૭,૬૭૨ ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે ૨૬.૧૪ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. ૨ થી ૮ ઓકટોબર દરમિયાન ‘વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ત્યારે, આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, દર પાંચ વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ૧૦મી ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે ૭,૬૭૨ નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં ૬,૦૮૨ ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘Equus heminious khur’ અને “ખુર” તરીકે પણ ઓળખાય છે.

ઘુડખર ગણતરીની વિગતો આપતા વન મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના ૬ જિલ્લાઓમાં જોવા મળે છે. ૧૦મી ઘુડખર વસ્તી ગણતરી પ્રમાણે ૨,૭૦૫ ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે ૧,૯૯૩ ઘુડખર કચ્છ જિલ્લામાં, ૧,૬૧૫ પાટણમાં, ૭૧૦ બનાસકાંઠામાં, ૬૪૨ મોરબીમાં તેમજ ૦૭ ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ ૩,૨૩૪ ઘુડખર ધાંગધ્રામાં, ૨,૩૨૫ રાધનપુર અને ૨,૧૧૩ ભચાઉ રીઝિયનમાં વસવાટ કરે છે.

વધુમાં, આ વન અને અભયારણ્ય વિસ્તારમાં ૨,૫૬૯ માદા ઘુડખર, ૧,૧૧૪ નર ઘુડખર, ૫૮૪ બચ્ચા અને ૨,૨૦૬ વણ ઓણખાયેલ જ્યારે, રેવન્યુ વિસ્તારમાં ૫૫૮ માદા ઘુડખર, ૧૯૦ નર ઘુડખર, ૧૬૮ બચ્ચા તેમજ ૨૮૩ વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ ૭,૬૭૨ ઘુડખર નોંધાયા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજે WAPE- ૨૦૨૪માં લગભગ ૧૫,૫૧૦ ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ૨,૭૩૪ નીલગાય, ૯૧૫ જંગલી ભૂંડ, ૨૨૨ ભારતીય સસલું, ૨૧૪ ચિંકારા તેમજ ૧૫૩ ભારતીય શિયાળ નોંધાયા છે.

ઘુડખર સાથે સંકળાયેલ અન્ય વન્યપ્રાણીઓની વિગત

પ્રજાતિ સંખ્યા :- નીલગાય- ૨,૭૩૪, જંગલી ભૂંડ -૯૧૫, ભારતીય સસલું -૨૨૨, ચિંકારા -૨૧૪, ભારતીય શિયાળ- ૧૫૩, રણ લોંકડી-૭૦, ભારતીય લોંકડી-૪૯, કાળિયાર-     ૩૯, ભારતીય ઝરખ-૧૫, રણ બિલાડી -૧૧, જંગલી બિલાડી -૦૪, ભારતીય વરૂ -૦૨

મંત્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, WAPE- ૨૦૨૪ના આયોજનને પૂરી કરવા ગણતરીકારોને ઘુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીઓની ઓળખ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, ગણતરીકારોને પરંપરાગત પદ્ધિતિની સાથે જ, આધુનિક ટેકનોલોજી જેમ કે, ડ્રોન કેમેરા, કેમેરાટ્રેપ, ઈ-ગુજ ફોરેસ્ટ મોડ્યુલ જેવા સંસાધનો પણ આપવામાં આવ્યા હતા.

ભારતીય ઘુડખર (Equus heminious khur)ની ખાસ વિશેષતાઓ એ છે કે, ગુજરાતના આ ઘુડખર રણમાં ૪૫ થી ૫૦ ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં ૫૦ થી ૭૦ કિ.મીના પૂરપાટ વેગે દોડી શકે છે. સામાન્ય રીતે ટોળામાં વિચારતા ઘુડખરની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતા જ આ પ્રાણીઓ નાસવા લાગે છે. ગુજરાતના એવા ગૌરવ એવા આ દુર્લભ પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી સરકારની જ નહિ સાથે-સાથે સૌ નાગરિકોની પણ છે, તેવો મંત્રી અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર- ૨૦૦૮ની રીપોર્ટ મુજબ ઘુડખર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોવાથી વન્યજીવ રક્ષણ અધિનિયમ ૧૯૭૨ના શીડ્યુલ- ૧માં તેને આરક્ષિત કરવામાં આવ્યા છે. IUCNના થ્રેટંડ સ્પીસીસની યાદીમાં ઘુડખરને એન્ડેજર્ડ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. તેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ઘુડખરને લુપ્ત થતા બચાવવા અને તેમનું સંરક્ષણ કરવા અનેક કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે ઘુડખરની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ ૧૯૭૬માં ૭૨૦ ઘુડખર, વર્ષ ૧૯૮૩માં ૧,૯૮૯, વર્ષ ૧૯૯૦માં ૨,૦૭૨, વર્ષ ૧૯૯૯માં ૨,૮૩૯, વર્ષ ૨૦૧૪માં ૪,૪૫૧, વર્ષ ૨૦૨૦માં ૬,૦૮૨ ઘુડખર નોંધાયા હતા. જે વર્ષ ૨૦૨૪માં વધીને ૭,૬૭૨ જેટલા ઘુડખર નોંધાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર