હળવદની ગોઝારી દુર્ઘટનામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ રૂબરૂ જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી
હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં આજે બપોરના સમયે દીવાલ ધરાશાયી થતા 12 કામદારોના મૃત્યુ નીપજ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઘટનાસ્થળ અને હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ આ દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી.
મોરબી જીલ્લાના હળવદ મુકામે આજ એક દુઃખદ ઘટના ઘટી હતી જેમાં જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં આશરે 60 ફૂટની કોઈપણ જાતના આધાર કે બીમ કોલમ વગરની દીવાલ અચાનક ધસી પડતા ત્યાં કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો સહિત આશરે 12 જેટલા લોકોના મૃત્યુ થયા હતા ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે પટેલની આગેવાનીમાં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે, તાલુકા પ્રમુખ રાણા, હેમાંગભાઈ રાવલ, જટુભા, પી.પી. બાવરવા, અશ્વિન વિડજા અને મહેશ રાજ્યગુરૂ સહિતના કોંગ્રેસી આગેવાનોએ બનાવના સ્થળ પર દોડી જઈને નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલ ખાતે જઈને ઈજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત કરી પરિવાજનોને સાંત્વના પાઠવી હતી અને માનવસર્જિત બેદરકારીની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમ જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.