Monday, January 20, 2025

મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમિનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અનુસાર કોઇપણ સ્ત્રીને કોઇ પણ સ્થળે રક્ષણ પુરુ પાડવામાં આવે છે

મોરબી: જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરેચાના અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત ઓડિટોરિયમ ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમિનાર યોજાયો હતો.

આ સેમિનાર દરમિયાન પ્રોટેક્શન ઑફિસર નિલેશ્વરીબા ગોહિલે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ વિશે જાણકારી પુરી પાડતા જણાવ્યું કે, કોઇ પણ પ્રકારની હિંસાને અવગણવી જોઇએ નહીં. તેમણે ઘરેલુ હિંસા કોને કહેવાય અને તે માટેના કાયદાની સમજુતી આપતા સમાજમાં ઘરેલુ હિંસા જેવા કિસ્સા ન બને તે માટે વાતાવરણ ઉભું કરવા અને બાળકોમાં આ બાબતે બાળપણથી જ માનસિક ઘડતર કરવા સમજાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અધિનિયમ અનુસાર કોઇપણ સ્ત્રીને કોઇ પણ સ્થળે રક્ષણ પુરુ પાડવામાં આવે છે.

મહિલા સતામણી અને જાતિભેદ દુર કરવાના આ સેમિનારમાં સીડબલ્યુસી ચેરમેન રાજેશભાઇ બદ્રેકિયાએ જણાવ્યુ હતું કે, સમાજમાં અમુક ચોક્કસ માન્યતાઓ તેમજ શબ્દો ઘર કરી ગયા છે જેમાંથી લોકોને બહાર નીકળવાની જરૂર છે. વધુમાં કામકાજના સ્થળે જાતિય સતામણી કરતું હોય ત્યારે સ્ત્રીએ શું કરવું તે અંગે માર્ગદર્શન પણ તેમણે આપ્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો કોઇ સ્ત્રીને કોઇ વ્યક્તિ સામે ફરિયાદ કરવી હોય તો તે આંતરિક સમિતિમાં સતામણીના દિવસથી લઇને ૯૦ દિવસ સુધીમાં ફરિયાદ કરી શકે છે અને કોઇ કારણસર જો ફરિયાદ ન કરી શક્યા હોય તો વધુ ૯૦ દિવસ એમ કુલ ૧૮૦ દિવસની અંદર ફરિયાદ કરી શકે છે તે અંગે પણ માહિતી આપી હતી.

સ્ત્રી જાગૃતીના આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરના પ્રવીણાબેને જણાવ્યું હતું કે કિશોરી થી માંડીને વૃદ્ધ મહિલા સુધીની કોઇ પણ પિડિત મહિલાને શું કરવુ, ક્યાં જવું તેની જાણકારી ન હોય તો સખી વન સ્ટોપ સેન્ટરની સહાયતા લઇ શકે છે.

આ કાર્યક્રમમાં ઘરેલુ હિંસા, પી.બી.એસ.સી યોજના, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, અને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ વિષય અનુરૂપ શોર્ટ ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઑફિસર નિલેશ્વરીબા ગોહિલ , જિલ્લા કાઉન્સેલર પિયુતાબેન, મોરબી ઘટક-૧,૨ સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, વાંકાનેર સીડીપીઓ ચાંદનીબેન, ટંકાર સીડીપીઓ સુધાબેન લશ્કરી, સહિત જિલ્લાના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર