મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન નિયંત્રણની મુદત 31મી જાન્યુઆરી, 2021ની મધરાત સુધી વધારી દીધી છે. ચીફ સેક્રેટરી સંજય કુમાર દ્વારા બુધવારે આ અંગેનો પરિપત્રક જારી કરવામાં આવ્યો હતો. મિશન બિગિન અગેઈન શરૂ થયું ત્યારથી તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. જોકે આ પરિપત્રકમાં કોઈ નવી છૂટછાટ અપાઈ નથી. એટલે કે, હાલમાં લાગુ છે તે જ છૂટછાટો ચાલુ રહેશે, જ્યારે અન્યો પર બંધી લાગુ રહેશે. સર્વ વિભાગોને આ આદેશનું કડક પાલન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યને માથે હજુ પણ કોવિડ-19 વાઈરસનું જોખમ ઝળુંબી રહ્યું છે. આથી વાઈરસને નિવારવા અને રોકવા માટે અમુક કટોકટીનાં પગલાં લેવા રાજ્યમાં લોકડાઉનની મુદત 31મી જાન્યુઆરી સુધી વધારવામાં આવી હોવાનું પરિપત્રકમાં જણાવાયું છે. હાલમાં મંજૂર છે અને સમયાંતરે જેને મંજૂરી આપવામાં આવી છે તે સર્વ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.