નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ; મહાકુંભમાં જનારા લોકોની ભારે ભીડના કારણે 15 ના મોત
પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. આ દરમ્યાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહાકુંભ માટે જઈ રહેલા શ્રધ્ધાળુઓની ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી હતી.
પ્રયાગરાજ મહાકુંભમા આસ્થાની ડૂબકી લગાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 12-13 પર મહાકુંભમા જવા માટે ભારે ભીડ એકઠી થવાના કારણે અફરાતફરી મચી હતી. જેમાં બે ટ્રેનો મોડી પડી અને પ્લેટફોર્મ પર ટ્રેનનો નંબર બદલી જતા ભીડ એકા એક વધી ગઈ હતી. જે બાદ નાસભાગ થતા લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા જેના કારણે ચાર મહિલા સહિત 15 લોકોના મોત નિપજ્યા હતા તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. અને લોકોને અફવાઓ થી બચવા સાવચેતી વર્તવા જણાવ્યું હતું.